સરહદી ખાવડા વિસ્તારનાં બાળકો અંતરિક્ષ વિજ્ઞાન પ્રદર્શન નિહાળી રોમાંચિત બન્યા

સરહદી ખાવડા વિસ્તારનાં બાળકો અંતરિક્ષ વિજ્ઞાન પ્રદર્શન નિહાળી રોમાંચિત બન્યા
ખાવડા (તા. ભુજ), તા. 26 : અહીંની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર ઇસરો અમદાવાદ, ભારત વિકાસ પરિષદ-ભુજ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુકત ઉપક્રમે ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની  ઝલક અને વિક્રમ સારાભાઇ અંતરિક્ષ પ્રદર્શન નિહાળી બાળકો રોમાંચિત થયા હતા. પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય અને મહેમાનોનાં સન્માન બાદ ઇસરોની ટીમ દ્વારા દબાણ અને ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ આધારિત પ્રાયોગિક મોડેલની સમજૂતી અપાઇ હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પણ રોકેટ પ્રક્ષેપણ ક્રિયાની પ્રાયોગિક સમજ અપાઇ?હતી. આ ઉપરાંત લોન્ચિંગ પેડ, ગ્રહો-ઉપગ્રહોના પરિભ્રમણ સહિત સ્પેશ શટલ અને સ્પેશ સ્ટેશનની વિસ્તૃત માહિતી અપાઇ હતી તેમજ પૃથ્વીની ધરીગતિ, ભ્રમણગતિ, રોકેટ, ચંદ્રયાન, પીએસએલવી, જીએસએલવી, મંગળ પરિભ્રમણ દર્શાવતા વર્કિંગ મોડેલ અને ચાર્ટ દર્શાવાયા હતા.વરિષ્ઠ વૈજ્ઞાનિક એન. જે. ભટ્ટ દ્વારા ગ્લોબલ વોર્મિંગ અને તેના દ્વારા પર્યાવરણ પર થતી વિપરિત આડ અસર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં બન્ની-પચ્છમ વિસ્તારની 15 શાળાના 480 વિદ્યાર્થી, 30 સારસ્વત મિત્રોએ લાભ લીધો હતો. આ પ્રસંગે વૈજ્ઞાનિકો ડી. સી. મહેતા, નીલેશભાઇ મકવાણા, હર્ષભાઇ ત્રિવેદી, ઇસરોના તજજ્ઞો,જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના મદદનીશ શિક્ષણ નિરીક્ષક બિપિનભાઇ વકીલ, હીરાલાલ રાજદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અને આભારવિધિ શિક્ષણ નિરીક્ષક વસંત તેરૈયાએ કર્યા હતા. 

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer