ભુજની ધુતારા ટોળકીનો વધુ એક કસબ બન્યો કામિયાબ : ઇન્દોરનો વેપારી 10 લાખમાં ધુતાયો

ભુજ, તા. 26 : આ શહેરને વડું મથક બનાવીને છેલ્લા લાંબા સમયથી અનેક પ્રકારની છેતરપિંડીઓને અંજામ આપતી  અત્રેની નામચીન ધુતારાટોળીનો વધુ એક કસબ સફળ થયો છે અને તેઓ 10 લાખ રૂપિયાની રકમ ઓળવી ગયા છે.આ ઘટનામાં મઘ્યપ્રદેશ રાજ્યના ઇન્દોરનો વેપારી 30 ટકા ઓછા ભાવના સસ્તાં સોનાની લાલચમાં આ ટોળકીનો શિકાર બન્યો હોવાનું બહાર આવ્યું છે.ઇન્દોર ખાતે એરપોર્ટ રોડ ઉપર મનપસંદ કોલોનીમાં રહેતા અને મોબાઇલ ફોનની દુકાન ધરાવતા વેપારી તરુણ કમલેશ ગેહલોત નામનો 28 વર્ષીય યુવાન આ વખતે ભુજની ધુતારાટોળીની જાળમાં ફસાઇને દશ લાખ રૂપિયાની રકમ ગુમાવી ચૂકયો છે. આ યુવાવેપારીએ ઇન્દોરના અભિષેક રાઠોડ, ભુજમાં સંજોગનગર વિસ્તારમાં ઉસ્માની મસ્જિદની બાજુમાં રહેતા સલીમ મોહમદ ઉર્ફે કાદરભાઇ સોઢા તથા જાવેદ અને સમીર તરીકે ઓળખાવાયેલા ઇસમો સામે ગઇકાલે વિધિવત ગુનો દાખલ કરાવ્યો હતો.બનાવ બાબતે ભુજ એ ડિવિઝન પોલીસે કલમ 406 અને 420 તથા કાવતરું રચવાના આરોપસર છાનબીન આરંભી છે. સબ ઇન્સ્પેકટર વી.એસ. ચૌહાણ તપાસ ચલાવી રહ્યા છે.ફરિયાદને ટાંકીને પોલીસ સાધનોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં આયોજનબદ્ધ રીતે ઘડાયેલી યોજનામાં ઇન્દોર ખાતે રહેતા આરોપી અભિષેક રાઠોડે ફરિયાદી તરુણ ગેહલોતને બજાર કરતાં 30 ટકા ઓછા ભાવે સોનું મળી રહ્યું હોવાનું જણાવ્યું હતું અને આ માટે ભુજના સલીમ મોહમદ ઉર્ફે કાદરભાઇ સોઢાના મોબાઇલ ફોન નંબર આપ્યા હતા. આ પછી પરંપરાગત રીતે નાણાંકીય છેતરપિંડીને વ્યવસ્થિત ઢબે સફળ અંજામ અપાયો હતો.આ પ્રકારના કિસ્સાઓમાં દરવખતે જેમ બને છે તેમ ભોગ બનનારા ઇન્દોરવાસી તરુણ ગેહલોતને ભુજ બોલાવાયો હતો, જ્યાં આરોપી જાવેદ તેને ક્રેટા કારમાં કાદરભાઇનાં ઘરે લઇ ગયો હતો, જ્યાં વેપારી પાસેથી રૂા. 10 લાખની રકમ હસ્તગત કર્યા બાદ આરોપી ટોળકીએ સોનું ન આપીને તથા લીધેલા રૂપિયા પણ પરત ન કરી પોતાનો કરતબ પાર પાડયો હતો.ગત તા. 15મી જાન્યુઆરીના આ સમગ્ર ઘટના બન્યા બાદ અંતે ગઇકાલે પ્રકરણને ફોજદારીનું સ્વરૂપ અપાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજમાં કાર્યરત વિવિધ ધુતારા ટોળકીઓ છેલ્લા લાંબા સમયથી તેમની પ્રવૃત્તિમાં યેનકેન પ્રકારેણ સફળ થતી આવી રહી છે. સખ્ત કાનૂની કાર્યવાહીના અભાવે આ પ્રકારના કિસ્સાઓ નિયમિત પોલીસ ચોપડે ચડી રહ્યા છે. છેલ્લા બેથી અઢી મહિનામાં આ પ્રકારની અડધો ડઝન જેટલી ફરિયાદો થઇ ચૂકી છે.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer