ધોરડોમાં રણોત્સવની તૈયારીનો ધમધમાટ

ધોરડોમાં રણોત્સવની તૈયારીનો ધમધમાટ
બાબુ માતંગ દ્વારા -  નિરોણા (તા. નખત્રાણા), તા. 22 : કચ્છની ભાતીગળ લોક સંસ્કૃતિ દુનિયાના દેશોમાં વખણાય છે એથી વિશેષ અહીં મહેમાનગતિ પણ ભારે જાણીતી અને માનીતી છે. અફાટ રણ વચ્ચે નયનરમ્ય કચ્છી ભૂંગામાં જોડિયા પાવા, મોરચંગ, ગડા-ઘમેલાના તાલ સાથે ગવાતી કચ્છી-સિંધી રાગરાગિણી સાથેનો આતિથ્ય સત્કાર એટલે ધોરડોના શ્વેત રણ વચ્ચેનો રણોત્સવ જે સહેલાણીઓ માટે સજ્જ રહ્યો છે. છેલ્લા બે વર્ષ રણોત્સવ પર કોરોનાના ઓછાયાને લઇ ઝાંખપ આવી, પરંતુ ચાલુ સાલે  બંને વર્ષોની કસર કાઢવા ગુજરાત સરકાર અને પ્રવાસન નિગમે કમર કસી છે. આગામી 1લી નવેમ્બરથી શરૂ થતા 16મા રણોત્સવની ભારે રંગેચંગે અને કેટલાક નવા આકર્ષણો સાથેની તૈયારીઓ ચરમસીમાએ છે. જો કે, શ્વેતરણ વચ્ચે હાલ ભરાયેલા પાણી સુકાઇ નમકમાં તબદીલ થવા એકાદ માસનો સમયગાળો જરૂરી હોઇ તેની અસલિયત ડિસેમ્બરના પ્રારંભે જોવા મળે તેવા સંકેતો મળી રહ્યા છે. કચ્છના મોટા રણમાં 2006થી શરૂ થયેલા રણોત્સવને દરવર્ષે ભારે સફળતા સાંપડયા પછી સહેલાણીઓમાં ઉત્તરોત્તર વધારો થઇ દેશ-વિદેશમાં ભારે પ્રસિદ્ધિ મેળવી છે, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીનો ઓછાયો આ ઉત્સવ પર પડયા પછી ચાલુ સાલે રણોત્સવને ભારે રંગીન અને આકર્ષક બનાવવા રાજ્ય સરકાર, ગુજરાત પ્રવાસન નિગમ અને સ્થાનિક બન્નીવાસીઓ ભારે જોમ-જુસ્સા સાથે તૈયારીઓમાં વ્યસ્ત બન્યા છે. આગામી દિવાળીના તહેવારોને લઇને પ્રવાસન વિભાગે 1લી નવેમ્બરથી રણોત્સવ ઊજવવાનું નક્કી કર્યું છે. ખાસ કરીને રણોત્સવનું મુખ્ય આકર્ષણ ગણાતી તંબુનગરીની રંગીન સજાવટ માટે ખાનગી કંપનીએ છેલ્લા એકાદ માસથી ભારે દોડધામ આદરી છે. જો કે, રણોત્સવની ક્રાફટ બજાર, મનોરંજન, ખાણી-પીણીના સ્ટોલ, અન્ય સરકારી કાર્યક્રમો જેવા આકર્ષણ 1લી ડિસેમ્બરથી શરૂ થઇ શકશે. નવા રંગીન વાઘા સજી નવેમ્બરની શરૂઆતથી જ યોજાઇ?રહેલા 16મા રણોત્સવની તૈયારીને નિહાળવા કચ્છમિત્રએ  જાત મુલાકાત લીધી ત્યારે ભીરંડિયારાથી લઇ શ્વેત રણના આખરી પડાવ સુધી ઠેકઠેકાણે લોકો તૈયારીમાં વ્યસ્ત જણાયા હતા. સફેદ રણના લોખંડી ટાવરથી દક્ષિણે આવેલા બીજા ગેટ વચ્ચે દોઢ કિ.મી.ના અફાટ રણ વિસ્તારમાં ક્ષારયુકત પાણી દરિયાની માફક હિલોળા લેતું નજરે ચડયું હતું સાથે રહેલા ધોરડોના અગ્રણી દાદા મિયાંહુસેન મુતવાના જણાવ્યા મુજબ ચાલુ સાલે ચોમાસાના આખરી દિવસોમાં નખત્રાણા, નરા અને પશ્ચિમ બન્નીના વિસ્તારોમાં સારા વરસાદના કારણે મોટા પ્રમાણમાં પાલર પાણી શ્વેત રણમાં સમાઇ ક્ષારયુકત બન્યા છે. આ પાણી નમક રૂપાંતર થવા ઠંડા મોસમ સાથે ધીમો પવન જરૂરી છે. હાલ શરદ પૂનમથી જ ઠંડીના ચમકારા સાથે પવનની ઝીણી લહેરને લઇ આગામી દિવસોમાં નમકની ચાદર પથરાયા બાદ ડિસેમ્બરની શરૂઆતથી  રણોત્સવની અસલી રંગત જામી શકશે.છેલ્લા એકાદ દાયકાથી સતત રણોત્સવના આયોજન અને જવાબદારી સંભાળતી ખાનગી કંપની લલ્લુજી એન્ડ સન્સના અમિત ગુપ્તાએ કચ્છમિત્ર સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, તંબુનગરીની `થીમ'માં ખૂબ બદલાવ લાવી ટેન્ટ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો ફેરફાર કરી વધુ આકર્ષક અને સુવિધાસભર બનાવવામાં આવી છે. જેને લઇ અહીં આવતા દેશી-વિદેશી મહેમાનો કોરોનાની સમગ્ર પીડા ભૂલી એક અનોખી દુનિયામાં ખોવાઇ જવાનો અહેસાસ કરશે. સાથે કોવિડ-19ના કેટલાક જરૂરી નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવશે. તંબુનગરીને વધુ રંગીન બનાવવા સ્થાનિક કારીગરો અને કલાકારોને વધુમાં વધુ સંખ્યામાં સાંકળી સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધારવામાં આવી હોવાનું જણાવ્યું હતું.દર વર્ષે રણોત્સવની ઉત્તરોત્તર પ્રગતિને લઇ સાહલાણીઓનો ભારે ધસારો જોવા મળે છે. જેને લીધે શ્વેત રણમાં નાના-મોટા વાહનોનો ભારે જમાવડો થાય છે. દૂર દૂરથી આવતા વાહનોની સુરક્ષા માટે પાર્કિંગની અદ્યતન સુવિધા મળી રહે તે માટે તંબુનગરી અને બી.એસ.એફ. ચોકી વચ્ચે 20300 ચો.મી.માં વિશાળ વિસ્તારમાં પાર્કિંગ ઝોન ઊભો થઇ રહ્યો છે. જેમાં વોટર કૂલર, પરમિટ સેન્ટર, ટોયલેટ બ્લોક-2, ફૂડ સેન્ટર, 102 મીટર લાંબુ અને 4 મીટર પહોળું બસ સ્ટેન્ડ જેવી અનેક સગવડો ઊભી કરવામાં આવી છે. આ પાર્કિંગ ઝોનમાં 50 મોટી લકઝરી બસો અને 571 જેટલી નાની ગાડીઓ સુરક્ષિત રીતે પાર્કિંગ કરી શકાશે.ચાલુ સાલે રણોત્સવની ઉજવણીમાં કેટલાક નવા નજારાનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે, જેમાં શ્વેતરણના પ્રથમ પાર્કિંગ સ્થળ પાસે 21#12 મીટરના કાયમી અદ્યતન સ્ટેજનું નિર્માણ થઇ રહ્યું છે. પહેલા ગેટ અને વચ્ચેના ગેટ વચ્ચે અગાઉ સાડા પાંચ મીટર પહોળાઇ ધરાવતો આર.સી.સી. રોડ હતો, જેની બંને સાઇડોમાં વધારો કરી 11 મીટરના ડબલ રોડનું નિર્માણ થઇ રહ્યું છે, તો વળી શ્વેતરણ પ્રવેશના પહેલા પડાવ બી.એસ.એફ. ચોકી અને દ્વિતીય પડાવ વચ્ચે બે કલાત્મક ગેટનું પણ નિર્માણ થઇ રહ્યું છે.રણમાં નમકની પથરાયેલી સફેદીમાં સપ્તરંગી લાઇટિંગના નજારા માટે અત્યાધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ લાઇટિંગ પ્રોજેક્ટ પણ ઊભો થઇ રહ્યો છે. જેની પાછળ સાત કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ગુજરાતમાં હાલ આવા લાઇટિંગ પ્રોજેક્ટ દીવ-દમણ અને પાવાગઢ ખાતે કાર્યરત છે. બીજીબાજુ રણોત્સવની સફળતામાં પંથકમાં સ્થાનિક લોકો દ્વારા ઊભા કરાયેલા ભૂંગાઓને સાંકળી વિલેજ રિસોર્ટની ભૂમિકા પણ ખૂબ અગત્યની રહી છે. ભીરંડિયારાથી માંડી છેક શ્વેત રણના દ્વાર સુધી અનેક કલાત્મક ભૂંગાઓના સમૂહ સાથે રિસોર્ટમાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળે છે. ચાલુ ચોમાસામાં સારા વરસાદના પગલે રિસોર્ટના ભૂંગાઓ ઉપર છાજ અને લીંપણ પર પાલર પાણી ફરી વળ્યા પછી તેને પુન: સજ્જ-ધજ્જ કરવા લોકો રાત-દિવસ જોડાયા છે. ઘણા ભૂંગાઓ ઉપર લોકો ડાંગરના ઘાસનો છાજ સજાવી રહ્યા હતા, તો કેટલાક સ્થળે મહિલાઓ ભૂંગાઓની ભીંતોને લીંપણ કલાથી કંડારતી જોવા મળી હતી. ભૂંગાઓનું મુખ્ય આકર્ષણ ભીંતો પર મડવર્ક અને ચિત્રકામમાં પરંપરાગત ચિત્રણમાં કલાકારો મશગુલ જોવા મળ્યા હતા. - હેલિકોપ્ટર દ્વારા હવાઇ સફરે શ્વેત રણનું નિદર્શન : રણોત્સવના આયોજન થકી ધોરડોના શ્વેત રણની પ્રસિદ્ધિ દુનિયાના ખૂણે-ખૂણે પહોંચી છે. વિશાળ વિસ્તારમાં પથરાયેલા નમકના સફેદીના થરોનું નિરીક્ષણ એક ભાગ્યવાન તક ગણાય છે, પરંતુ તેના પર ઊંચે ઊડીને હવાઇ નિરીક્ષણ એ પણ એક અનેરો લ્હાવો ગણી શકાય છે. કોરોનાની પીડા હડસેલવા રાજ્ય સરકાર, પ્રવાસન વિભાગ અને સ્થાનિકનું વહીવટી તંત્ર ચાલુ સાલે રણોત્સવને એક અનોખા અંદાજ સાથે ભારે દબદબાભેર ઊજવવાનું નક્કી કર્યા પછી અનેક નવા આકર્ષણો ઊભા કરાયાં છે. બરોડાની એક કંપનીએ સહેલાણીઓને શ્વેત રણનો નજારો હેલિકોપ્ટરના સથવારે નિહાળવાનું બિડું ઝડપ્યું છે. આ અંગે  ગાંધીનગરથી માંડી જિલ્લાના વહીવટી તંત્ર પાસેથી મંજૂરીને મ્હોર મળી ચૂકી છે. આ કંપનીના અગ્રણી કુમાર ગૌરવસિંઘ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, પ્રવાસન વિભાગના સહયોગથી વર્ષ 2018-19માં આ સુવિધાને રણોત્સવ સાથે સાંકળ્યા પછી સહેલાણીઓનો અદ્ભુત પ્રતિસાદ સાંપડયો હતો. 5ાંચથી સાત મિનિટના એક ફ્લાઈટ (રાઉન્ડ)ના 2018/19માં 4000 રૂા. ભાડું નક્કી થયું હતું, જ્યારે ચાલુ સાલે તેમાં વધારો કરી 4500થી 5000 કરાયું છે, જેની શરૂઆત 1લી નવેમ્બરથી કરવામાં આવશે.- દેશભરની કલાઓનું રચાશે સંગમ સ્થળ : રણોત્સવમાં દરવર્ષે ઊમટતા દેશ-દેશાવરના સાહેલાણીઓ કચ્છી કલા અને લોકસંસ્કૃતિથી વાકેફ થાય તે માટે શ્વેત રણને અડીને ક્રાફટ બજાર ઊભી કરાય છે, જેમાં  કચ્છ અને ગુજરાતના કસબીઓ પોતાના પરંપરાગત કસબના કામણ પાથરે છે. પરંતુ ચાલુ સાલે પર્યટકોને માત્ર કચ્છ કે ગુજરાતની જ નહીં, દેશના અન્ય રાજ્યોની લોકકલા અને સંસ્કૃતિના દર્શન થઇ શકે તે માટે અતૂલ્ય ભારતની થીમ પર દેશના ખૂણે-ખૂણેથી કારીગરોને આમંત્રિત કરી રાષ્ટ્રીય કલા સંગમ સ્થળ ઊભું કરાશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer