સાત પાકિસ્તાનીને નલિયાની કોર્ટએ કરેલી સજા સેશન્સમાં પણ કાયમ

ભુજ, તા. 22 : અબડાસામાં જખૌ નજીકની ભારતીય હદના દરિયાઇ વિસ્તારમાંથી ફેબ્રુઆરી-2018ના અલદિલાલ બોટ સાથે પકડાયેલા સાત પાકિસ્તાની માછીમાર નાગરિકને નલિયાની અદાલત દ્વારા કરાયેલી સજા જિલ્લા અદાલતે કાયમ રાખતો ચુકાદો આપ્યો હતો. નલિયાની અદાલત દ્વારા જખૌ પોલીસ મથકમાં દાખલ થયેલા આ અંગેના કેસમાં સાતેય પાકિસ્તાની નાગરિકને ગેરકાયદે ઘૂસણખોરી બદલ તકસીરવાન ઠેરવીને ત્રણ વર્ષ, ત્રણ માસ અને વીસ દિવસની કેદની સજા ફટકારી હતી. આ સજા સામે જિલ્લા કોર્ટમાં અપીલ દાખલ કરાઇ હતી. જિલ્લાની મુખ્ય અદાલતના ન્યાયાધીશ એચ.એસ. મુલિયાએ કાયમ રાખી અપીલ નામંજૂર કરતો ચુકાદો આજે આપ્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામી હાજર રહ્યા હતા. આ સાતેય પાકિસ્તાની તેમનો સજાનો ગાળો પૂર્ણ કરી ચૂક્યા છે. તેમને રાજકોટ જેલથી પરત ભુજનાં જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર લઇ અવાયા છે. તેમને તેમનાં વતનમાં મોકલવાની કાર્યવાહી થાય ત્યાં સુધી તેઓ અહીં જ રહેશે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer