ગાંધીધામમાં કારમાં અડધા લાખનો શરાબ લઇ જતા બે જણ પકડાયા

ગાંધીધામમાં કારમાં અડધા લાખનો શરાબ લઇ જતા બે જણ પકડાયા
ગાંધીધામ, તા. 22 : શહેરનાં ભારતનગરમાં તુલસી ટાવર નજીક સરસ્વતી શાળા પાસેથી એક કારમાંથી રૂા. 50,161ના શરાબ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. શહેરનાં ભારતનગર વિસ્તારમાંથી ભચાઉના રાકેશ ઉર્ફે મહાદેવ બળવંત જોશી તથા વોંધ ગામના ઉમંગ મનસુખલાલ પંડયા નામના શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. આ શખ્સો કાર નંબર જી.જે. 12-ડી.જી. 8000માં દારૂ ભરી અહીં આવ્યા હતા અને તુલસી ટાવર નજીક સરસ્વતી શાળા પાસે ઊભા હતા. પૂર્વે મળેલી બાતમીના આધારે આ બંને શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા તેમજ કારમાંથી મેકડોવેલ્સ નંબર-1ની 13 બોટલ, બેગ પાઇપર ગોલ્ડ 1લીટરની 11 બોટલ, 100 પાઇપર સ્કોચ 750 એમ.એલ.ની 12 બોટલ, બ્લેક એન્ડ વ્હાઇટ સ્કોચ 750 એમ.એલ.ની 12 બોટલ એમ કુલ્લ રૂા. 50,161નો શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સો કયાંથી માલ ભરીને લાવ્યા હતા તેમજ અહીં કોને આપવાના હતા તે હજુ પોલીસની તપાસ દરમ્યાન બહાર આવ્યું નથી. અગાઉ આ શખ્સોએ દારૂની ખેપ મારી છે કે કેમ ? તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer