તુણા પોર્ટ બહાર દબાણો ઉપર ડીપીટીનું બુલડોઝર ફરી વળ્યું

તુણા પોર્ટ બહાર દબાણો ઉપર ડીપીટીનું બુલડોઝર ફરી વળ્યું
ગાંધીધામ, તા. 22 :દીનદયાલ મહાબંદર હસ્તકના તુણા પોર્ટના ગેટની બહારના ભાગે લાંબા સમયથી થયેલાં કાચાં-પાકાં દબાણો ઉપર આખરે આજે પોર્ટ પ્રશાસન દ્વારા કાર્યવાહી કરાઈ હતી. સવારથી સાંજ સુધીમાં દબાણો તોડી પાડવામાં આવ્યાં હતાં. આ અંગે સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ,તુણા પોર્ટના ગેટની બહાર અને ઝીરો પોઈન્ટ ઉપર દીનદયાળ પોર્ટની જમીન ઉપર લાંબા અરસાથી ગેરકાયદે દબાણો ખડકાયેલાં હતાં. આ દબાણોનાં કારણે અસામાજિક તત્ત્વોને મોકળું મેદાન મળી ગયું હતું અને અવાર નવાર નાના-મોટા  ઝઘડાના બનાવો બનતા હતા.પોર્ટ પ્રશાસન દ્વારા આજે સવારથી આ દબાણો  હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી હાથ ધરાયેલી આ કામગીરી દરમ્યાન હોટેલ, નાનાં-મોટાં કાચાં બાંધકામ, લારી-ગલ્લા, શ્રમિકોને બેસવા માટેના નાના શેડ સહિતનાં દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું. ડીપીટી, પોલીસ  અને વહીવટી તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યવાહી દરમ્યાન કોઈ  અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. આ કાર્યવાહી દરમ્યાન એક એકર જેટલી જમીન દબાણ મુક્ત કરવામાં આવી હોવાનું પોર્ટનાં સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer