ગાંધીધામ: સર્ટિફિકેટ ઓફ ઓરિજિન ઓનલાઈન થતાં નિકાસકારો માટે સરળતા

ગાંધીધામ: સર્ટિફિકેટ ઓફ ઓરિજિન ઓનલાઈન થતાં નિકાસકારો માટે સરળતા
ગાંધીધામ, તા.22 : અહીંની અગ્રણી વેપારી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સને ભારત સરકારના વાણિજય મંત્રાલયના ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા નિકાસકારોને સર્ટિફિકેટ ઓફ ઓરીજીન જારી કરવા માટે પ્રમાણીત કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારના માલની નિકાસ કરવા માટે નિકાસકારોને સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પ્રમાણપત્ર જારી કરાવી નિકાસના કાગળો સાથે રજૂ કરવું ફરજિયાત છે. જેના વગર જે-તે દેશોમાં કસ્ટમ ખાતા તરફથી માલનું ક્લિયરન્સ મળતું નથી. હાલમાં કેન્દ્ર સરકારના ડી.જી.એફ.ટી. (વિભાગ) દ્વારા આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવાના હેતુથી સમગ્ર પ્રક્રિયા ઓનલાન બનાવવાનો નિર્ણય કર્યો છે. જે સંદર્ભે અહીંની ચેમ્બર દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને વધુ સરળતાથી સમજી શકાય તે માટે નિકાસકારો, કસ્ટમ હાઉસ એજન્ટો, ફોરવર્ડર્સ વગેરે સાથે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.  ચેમ્બરના માનદ્મંત્રી મહેશ તિર્થાણીએ પરિસંવાદમાં ભાગ લેનાર સૌને આવકારી સમગ્ર ઓનલાઈન પ્રક્રિયાનું મહત્વ, તેના માટેનું જરૂરી રજીસ્ટ્રેશન, પેમેન્ટ ગેટ વે તથા અરજી સાથે સામેલ કરવાના થતાં દસ્તાવેજ, ચકાસણી અંગેની વિવિધ માહિતી આપી હતી. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરી સમગ્ર ઓનલાઈન પ્રક્રિયાનો ફલો ચાર્ટ વિગતવાર દર્શાવી નિકાસકારોને તેમના કોડ સાથે ડિજીટલ સિગ્નેચર (સહી) બનાવી દઈ અને એપ્લીકેશનની ચકાસણી બાદ અધિકૃત કરી રીલીઝ કરવામાં આવે છે. પ્રમાણપત્ર ઓનલાઈન થવાથી પ્રક્રિયા ઝડપી બનશે અને સમયની બચત થશે.પ્રાયોગિક ધોરણે ચાલી રહેલી આ પ્રક્રિયામાં સમયાંતરે જરૂરી ફેરફારો થતાં રહેશે. ઉપસ્થિતોના પ્રશ્નોના ચેમ્બરના સ્ટાફે વિગતવારના જવાબો આપ્યા હતા. આ પરિસંવાદમાં ચેમ્બર પ્રમુખ અનિલ જૈન, ઉપપ્રમુખ તેજાભાઈ કાનગડ, ખજાનચી હરેશ મહેશ્વરી તેમજ દિનેશ ગુપ્તા, આશિષ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer