ખતરનાક વિન્ડિઝ સામે ઇંગ્લેન્ડે સચેત રહેવું પડશે

દુબઇ, તા.22: ટી-20 વર્લ્ડ કપના શનિવારે રમાનારી બીજી મેચમાં વર્તમાન વન ડે ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને વર્તમાન ટી-20 વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ આમને-સામને હશે. ત્યારે ઇંગ્લેન્ડની નજર છેલ્લે 2016ના ટી-20 વર્લ્ડ કપમાં આખરી ઓવરમાં બ્રેથવેટના ચાર છગ્ગાથી મળેલી હારનો હિસાબ ચૂકતે કરીને વિન્ડિઝને હાર આપવાનો રહેશે. વોર્મઅપ મેચમાં ઇંગ્લેન્ડ ભારત સામે અને વિન્ડિઝને પાક સામે હાર મળી હતી. જેમાંથી બોધપાઠ લઇને બન્ને ટીમ ભૂલોથી બચવા કોશિશ કરશે. ઇંગ્લેન્ડને તેના સ્ટાર ખેલાડીઓ બેન સ્ટોકસ અને જોફ્રા આર્ચરની ખોટ પડશે. કેપ્ટન ઇયોન મોર્ગનનું કંગાળ ફોર્મ ટીમની સૌથી મોટી ચિંતા છે. આ સામે બટલર, મોઇન અલી, બેયરસ્ટો અને મલાન જેવા ખેલાડી સારા ફોર્મમાં છે. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝની ટીમ ફટાફટ ક્રિકેટની સૌથી ખતરનાક ટીમ ગણાય છે. તેની પાસે ગેલ જેવા અને અનુભવી અને હેટમાયર જેવા યુવા ફટકાબાજો છે. ટીમનો કેપ્ટન પોલાર્ડ છે અને તે કેરેબિયન ટીમને ટી-20 વિશ્વ કપમાં ત્રીજીવાર ચેમ્પિયન બનાવવાનો વિશ્વાસ ધરાવે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer