પેટીએમના મેગા આઇપીઓને સેબીની મંજૂરી

નવી દિલ્હી, તા. 22 : આઇપીઓ માર્કેટમાં ફરી ઇતિહાસ રચાવા જઇ રહ્યો છે. દેશમાં સૌથી મોટી રકમની પબ્લિક ઓફર લાવીને પેટીએમ આ ક્ષેત્રમાં ડંકો વગાડવાની છે. આ વર્ષે આઇપીઓ માર્કેટમાં ધૂમ તેજી છે. એમાં હવે પેટીએમના આઇપીઓથી રોનક છવાઇ જાય એમ છે કારણ કે સેબીએ કંપનીના રૂા. 16,600 કરોડના આઇપીઓને મંજૂરી આપી છે. અગાઉ 2010માં કોલ ઇન્ડિયાનો આઇપીઓ રૂા. 15,000 કરોડનો આવ્યો હતો. કંપની નવેમ્બરના આરંભમાં આઇપીઓ બહાર પાડે તેવી શક્યતા છે. જો કે, ઝડપથી લિસ્ટેડ થવા માટે કંપની શેર વેચાણની યોજના પ્રથમ બનાવી રહી છે.  કંપની રૂા. 1.47થી 1.78 લાખ કરોડનું મૂલ્યાંકન ઇચ્છી રહી છે. અમેરિકા સ્થિત વેલ્યૂએશન કંપનીએ એક શેરની કિંમતનું મૂલ્યાંકન રૂા. 2950 જેટલું કર્યું છે. એ રીતે આઇપીઓનો ભાવ ઘણો ઊંચો રાખવામાં આવે તેમ છે. આ આઇપીઓ સફળ રહે તો દેશનો સૌથી મોટો આઇપીઓ હશે. આઇપીઓનું સંચાલન મોર્ગન સ્ટેનલી, સિટીગ્રુપ ગ્લોબલ, જેપી મોર્ગન ચેઝ છે. મોર્ગન સ્ટેનલીની દાવેદારી મોટી છે. પેટીએમના ફાઉન્ડર અને સીઇઓ વિજય શેખર શર્મા પાછલાં એક વર્ષથી કંપનીની આવક વધારીને સેવાઓને મોનેટાઇઝ કરવામાં અત્યંત વ્યસ્ત છે. સ્ટાર્ટઅપે ડિજિટલ ઉપરાંત હવે બાંકિંગ, ક્રેડિટ કાર્ડ, ફાયનાન્સિયલ સર્વિસ, વેલ્થ મેનેજમેન્ટ અને ડિજિટલ વોલેટ જેવાં ક્ષેત્રોમાં પણ કારોબાર ફેલાવી દીધો છે. કંપનીએ હવે ફોન પે, ગૂગલ પે, એમેઝોન પે અને વોટ્સ એપ પે તરફથી સર્જાયેલી હરીફાઇને પણ મજબૂતીથી સહન કરી લીધી છે. મર્ચન્ટ પેમેન્ટ ક્ષેત્રમાં પેટીએમનો બજાર હિસ્સો સૌથી વધારે છે. કંપનીના 2 કરોડથી વધારે મર્ચન્ટ પાર્ટનર છે અને તેના યુઝરો મહિને 1.4 અબજ જેટલા વ્યવહારો કરે છે. પેટીએમ માટે 2021નાં નાણાંવર્ષના પ્રથમ ત્રણ માસ ખૂબ સારા રહ્યા છે. એ વખતે કોવિડની બીજી લહેરમાં ડિજિટલ વ્યવહારોમાં ખૂબ જ તેજી આવી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer