કોરોના સામેની લડત હજી પૂરી થઇ નથી : મોદી

મુંબઈ, તા. 22 : (અમારા પ્રતિનિધિ તરફથી) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના રસીના ડોઝ એક અબજનાં સીમાચિહ્ને પહોંચવા છતાં મહામારી સામેની આપણી લડત હજુ પૂરી થઈ નથી. તેમણે કહ્યું કે તહેવારના દિવસોમાં કોવિડના નિયમોનો અમલ કરવો જરૂરી છે. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જેવા નિયમોનું પાલન કરવું હજુ પણ જરૂરી છે. રાષ્ટ્રને સંબોધિત કરતાં મોદીએ તમામ નાગરિકોને તહેવારો સાવચેત રહી ઊજવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19 વિરુદ્ધની લડતમાં લાપરવાહી રાખવી પોસાય નહીં. એ સાથે તેમણે ચેતવણી આપતાં કહ્યું કે, ઢાલ ભલે ગમે તેટલી મજબૂત હોય, જ્યાં સુધી યુદ્ધ ચાલુ હોય ત્યાં સુધી હથિયાર હેઠાં મુકાય નહીં. વડાપ્રધાને અપીલ કરી હતી જેમણે હજુ રસીનો પહેલો ડોઝ લીધો ન હોય તેઓ વહેલી તકે રસી લે. તેમણે કહ્યું કે જેમણે રસી લીધી છે, તેમણે અન્યોને રસી લેવા પ્રોત્સાહિત કરવા જોઇએ. તેમણે કહ્યું કે ભારતનું રસીકરણ અભિયાન સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા પ્રયાસનું જીવતું જાગતું ઉદાહરણ છે. મોદીએ કહ્યું કે, ભારતે કાલે સો કરોડ વેક્સિનના ડોઝ આપી ચિંતાના એક પુલને સફળતાપૂર્વક પાર કર્યો છે. તેમણે કહ્યું, ભારે મુશ્કેલ પણ અસાધારણ લક્ષ્યને સફળતાપૂર્વક પાર પાડયું છે. વડાપ્રધાને કહ્યું, આ સિદ્ધિ પાછળ 130 કરોડ દેશવાસીઓનો પ્રયાસ છે. તેમણે કહ્યું, 100 કરોડ વેક્સિનનો ડોઝ એ એક સંખ્યા નથી, પણ ઇતિહાસનો એક નવો અધ્યાય છે. મોદીએ કહ્યું, આ નવું ભારત છે જે મુશ્કેલ લક્ષ્ય નક્કી કરવાની સાથે એને હાંસલ કરવાનું પણ જાણે છે. તેમણે કહ્યું, છેલ્લાં સો વરસમાં દુનિયાભરમાં જોવા મળેલી સૌથી મોટી મહામારીનો મુકાબલો કરવામાં ભારતનો ઉત્સાહ  પ્રશંસનીય છે અને એની સામે લડવા માટે દેશનો દૃઢ સંકલ્પ દર્શાવે છે. વડાપ્રધાને કહ્યું, રસી માટે હંમેશાં વિકસિત દેશો પર નિર્ભર રહ્યું છે, પરંતુ છેલ્લાં સો વરસની સૌથી ભયાનક મહામારી આવી તો ભારતે પુરવાર કર્યું કે આપણે મજબૂત લડત આપી શકીએ છીએ. તેમણે કહ્યું, સરકારે વધુમાં વધુ લોકો સુધી નિ:શુલ્ક રસી પહોંચે એ માટે નાગરિકોને સહાય કરી. મોદીએ કહ્યું, સરકારે સુનિશ્ચિત કર્યું કે વીઆઈપી સંસ્કૃતિ રસીકરણ કાર્યક્રમ પર પ્રભાવી ન થાય અને બધા સાથે સમાન વ્યવહાર કરવામાં આવે. તેમણે કહ્યું કે બધાંનો સાથ-સહકાર લઈ સરકારે રસીકરણ અભિયાનની શરૂઆત કરી, પછી એ ગરીબ હોય કે પૈસાદાર, ગામડાંમાં હોય કે શહેરમાં.વડા પ્રધાને કહ્યું, વિજ્ઞાન અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ભારતીય રસી વિકસિત કરવામાં અને તમામ ખામીઓને દૂર કરવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, આ બધા માટે ગર્વની વાત છે કે ભારતનું રસીકરણ અભિયાન વિજ્ઞાન આધારિત, વૈજ્ઞાનિક આધારે ચલાવાયું છે. મોદીએ કહ્યું કૉવિનને કારણે ભારતીયો માટે રસીનો ડૉઝ લેવા માટે સમય નક્કી કરવાનું આસાન બન્યું અને સ્વાસ્થ્યકર્મીઓનું કામ સરળ બનાવ્યું હતું. તેમણે કહ્યું, મહામારી છતાં, સરકારે ભારતના આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે સેન્ટ્રલ વિસ્ટા, પીએમ ગતિ શક્તિ જેવી યોજનાઓ શરૂ કરી છે. વડા પ્રધાને કહ્યું કે આજે માત્ર રેકોર્ડ રોકાણ જ નથી આવી રહ્યું, પણ યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઉપલબ્ધ થઈ રહી છે.  તેમણે કહ્યું, દરેક જગ્યાએ આશાવાદ છે અને ખાસ કરીને વૈશ્વિક એજન્સીઓ ભારતીય અર્થવ્યવસ્થા અંગે ઘણી સકારાત્મક છે. મોદીએ કહ્યું, દરેકે માત્ર વોકલ ફોર લોકલને સમર્થન જ નથી કરવાનું પણ એને રોજિંદા જીવનમાં આત્મસાત કરવાનું છે. ખાસ કરીને તહેવારના દિવસોમાં આપણે સ્વદેશી ઉત્પાદનોને પ્રાત્સાહન આપીને આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર કરી શકીએ છીએ.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer