રાહુલને મળ્યા ગુજરાત કોંગ્રેસના નેતાઓ

આનંદ કે. વ્યાસ તરફથી - નવી દિલ્હી, તા. 22 : ગુજરાત કૉંગ્રેસના નવા અધ્યક્ષની સાથે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની નિયુક્તિની પ્રક્રિયાના ભાગ રૂપે રાહુલ ગાંધીએ શુક્રવારે ગુજરાતના પક્ષના નેતાઓને મળ્યા હતા અને તેમને ચૂંટણી માટે તૈયાર રહેવા જણાવ્યું હતું. ગુજરાત કૉંગ્રેસમાં વ્યાપેલી જૂથબાજીને પગલે રાહુલે રાજ્યના તમામ વરિષ્ઠ નેતાઓને મળવાનો આગ્રહ રાખ્યો હતો અને  રાજ્ય કૉંગ્રેસના નવા પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાની નિયુક્તિ અંગે તેમના પ્રતિભાવ માગ્યા હતા.જોકે, રાહુલ નવા કૉંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાની પસંદગીમાં કેટલું સંતુલન જાળવે છે એ જોવાનું રહેશે. ગુજરાતકૉંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે તેને કૉંગ્રેસમાં એકલો પાડી દેવાયો છે. કૉંગ્રેસનું બીજું જૂથ ખુલ્લેઆમ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલનાં નામનો પક્ષપ્રમુખ તરીકે વિરોધ કરી રહ્યું છે. કૉંગ્રેસમાં જગદીશ ઠાકોર, નારણ રાઠવા અને નરેશ રાવલનાં નામો પક્ષપ્રમુખ તરીકે તો શૈલેશ પરમાર, વીરજી ઠુમર કે પુંજાભાઈ વંશનાં નામો વિરોધ પક્ષના નેતા તરીકે ચર્ચાઈ રહ્યાં છે.દરમિયાન, એવી પણ ચર્ચા છે કે રાહુલ ગાંધી ચૂંટણી પહેલાં પક્ષના કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા નવેમ્બર મહિનામાં ગુજરાતની મુલાકાતે આવશે. પક્ષની ચિંતન શિબિરનું  આયોજન કરવાની  પણ વિચારણા ચાલી રહી છે. રાહુલ ગાંધી એ કાર્યક્રમમાં ભાગ લે એવી શક્યતા છે જેમાં અનેક નેતાઓ ચૂંટણીની રણનીતિની તૈયારી અંગે ચર્ચા કરશે.બેઠક દરમિયાન એઆઈસીસીના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ અને ગુજરાતના પ્રભારી રઘુ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીના પ્રતિનિધિ મંડળમાં અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, અર્જુન મોઢવાડિયા, નારણ રાઠવા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી, ગ્યાસુદ્દીન શેખ સહિત ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સામેલ હતા.માર્ચ મહિનાથી ખાલી પડેલા ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ પદ માટે યોગ્ય ઉમેદવારની પસંદગી માટે તત્કાલ બેઠક બોલાવવામાં આવી હતી. પંચાયતોની ચૂંટણીમાં પક્ષને મળેલી હાર બાદ અમિત ચાવડાએ અને વિરોધ પક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ પણ રાજીનામું આપ્યું હતું.બીજી તરફ અમદાવાદથી પ્રતિનિધિના અહેવાલ મુજબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની નિમણુંકનો મામલો ફરી ધોંચમાં પડ્યો છે.  દિલ્હીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના 15થી વધુ નેતાઓ સાથે વન ટુ વન ચર્ચા કરી પ્રમુખપદ માટે મંથન કર્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ માટે યુવાન હાર્દિક પટેલના નામની તૈયારીઓ સામે કોંગ્રેસના 15થી વધુ નેતાઓ સહિત 10 જેટલા ધારાસભ્યોએ વિરોધ વ્યક્ત કરી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારતા હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની નિમણુંક દિવાળી બાદ થાય તેવી પણ શક્યતાઓ વર્તાઇ રહી છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી રાહુલ ગાંધી સાથે બેઠક કરીને બિહાર જવા રવાના થયા હતા. જો કે રાહુલ ગાંધી કોંગ્રેસના સિનિયર નેતાઓના વિરોધ વચ્ચે પણ યુવા નેતાગીરીને પ્રોત્સાહન આપવાના મૂડમાં હોવાનો દાવો કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer