રૂા. આઠ લાખના માપદંડનો આધાર શું ?

નવી દિલ્હી, તા. રર : ઈડબલ્યુએસ (આર્થિક રીતે નબળો વર્ગ) કવોટા માટે વાર્ષિક રૂ.8 લાખ આવકનું ધોરણ નક્કી કરવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે આ મર્યાદા નક્કી કરવા પાછળ શું આધાર છે અને તે માટે શું ગતિવિધિ હાથ ધરવામાં આવી છે ? જો  સરકાર જરૂરી સ્પષ્ટતા નહીં કરે તો અનામત રોકી દેવાની ચેતવણી આપી છે.જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડની આગેવાનીવાળી બેંચે પૂછયુ કે ઈડબલ્યુએસ માટે આવકનો જે ક્રાઈટએરિયા રૂ.8 લાખ નક્કી કરાયો છે તેની પાછળનો આધાર શું છે ? શું શહેરી, ગ્રામીણ અને મેટ્રો સિટી માટે એક સમાન ધોરણ યોગ્ય છે ? ઓબીસી રિઝર્વેશનમાં ક્રીમીલેયર માટે રૂ.8 લાખનો ક્રાઈટએરિયા નક્કી છે. તો ઈડબલ્યુએસ માટે પણ આટલો જ ક્રાઈટએરિયા નક્કી કરાયો છે જ્યારે આ કેટેગરીના લોકો સોશિયલી અને એજ્યુકેશનલી બેકવર્ડ નથી. એકતરફી પાતળી હવામાં આવા માપદંડ નક્કી ન કરી શકાય. આ મર્યાદા અસમાન સમાનતાવાળી છે. આ સાથે કોર્ટે સુનાવણી ર8 ઓકટોબર સુધી ટાળી હતી. કોર્ટે નારાજગી વ્યક્ત કરી કે ગત સુનાવણીમાં અમે કેન્દ્ર સરકારને સોગંદનામું દાખલ કરવા કહ્યું હતું જે હજુ સુધી દાખલ કરાયું નથી. કોર્ટે નોટિફિકેશન પર સ્ટે આપી, દરમિયાન સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો. સોલિસિટર જનરલે બે-ત્રણ દિવસમાં સોગંદનામું દાખલ કરવા ખાતરી આપી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer