દિવાળીના તહેવારમાં રાત્રિના આઠથી દસ જ ફટાકડા ફોડી શકાશે

ભુજ, તા. 22 : આગામી દિવાળીના તહેવાર દરમિયાન રાત્રિના આઠથી દસ દરમ્યાન જ ફટાકડા ફોડી શકાશે. જિલ્લા તંત્ર દ્વારા આ અંગેનું ખાસ જાહેરનામું બહાર પાડયું છે. આ ઉપરાંત અન્ય 12 જેટલા અલગ-અલગ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવિણા ડી.કે. દ્વારા દિવાળીના તહેવારો દરમ્યાન રાત્રિના 8થી 10 દરમ્યાન જ ફટાકડા ફોડવાની છૂટ અપાઇ છે. સિરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લૂમ)થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં. ફોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે  ગણવામાં આવશે અને કોઇપણ પ્રકારના  ફટાકડા ફોડી શકાશે નહીં.આ હુકમ તા. 1/11થી તા. 8/11 સુધી અમલી રહેશે. કચ્છમાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલ સ્થળોએ જુદા જુદા ટોલ પ્લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસૂલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્સી સાથે કરાર કરી ચાર્જ વસૂલ કરવાનો અધિકારી આપવામાં આવેલ છે. અનુસૂચિમાં જણાવ્યા અનુસાર મોખા ટોલ પ્લાઝા, તા. મુંદરા, સામખિયાળી ટોલપ્લાઝા, સામખિયાળી, સુરજબારી ટોલ પ્લાઝા, માખેલ ટોલ પ્લાઝા અને ધાણેટી ટોલ પ્લાઝા,લોકેશન નિયત કરાયાં છે. સરકારના જાહેરનામા ઉલ્લેખ થયા અનુસાર જુદા જુદા વાહનોને ટોલટેક્સ ભરવામાંથી  મુક્તિ આપવામાં આવી છે અથવા કન્સેશન આપવાની જોગવાઇ કરવામાં આવી છે.જિલ્લામાં બોર-કૂવા બનાવવા પહેલાં તથા બનાવ્યા બાદ બોરવેલ/ટયુબ વેલના માલિક/ઉપયોગ કર્તા, ડ્રીલીંગ એજન્સીઓ બોર વેલ/ટયુબ વેલનું બાંધકામ શરૂ કરતાં પહેલાં જગ્યાના માલિકે સત્તા મંડળ તથા સ્થાનિક પોલીસને 15 દિવસ પહેલાં જાણ કરવાની રહેશે. તમામ સરકારી, પ્રાઇવેટ ડ્રીલીંગ એજન્સીએ સ્થાનિક સત્તા મંડળ પાસે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જિલ્લાના વિસ્તારમાં રિમોટ કન્ટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફટ, હેંગ ગ્લાઇડર/પેરાગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલુન્સ તથા પેરા જમ્પીંગ ચલાવવાની મનાઇ ફરમાવાઇ છે.આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં ઘાસચારો વેંચવા પર પ્રતિબંધ મુકાવવા સાથે ભાડૂઆતોની સંબંધિત પોલીસ મથકમાં નોંધ કરાવવા, ટ્રાન્સપોર્ટ પેઢીમાં નોકરી રખાયેલાઓની પૂરતી નોંધ રાખવા, હોટલ, થિયેટર, જ્વેલર્સ શોરૂમ સહિતમાં સીસી ટીવી કેમેરા લગાવવા, હોટલ સંચાલકોને પથીક એપ્લીકેશનનો ઉપયોગ કરવા, સીમકાર્ડ અને વાહનોની લે-વેંચનો તમામ ડેટા રાખવા સહિતના જાહેરનામા બહાર પડયા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer