રામપર-વેકરા પાસે રુકમાવતી નદી વગર વરસાદે વહેતી થઇ

રામપર-વેકરા પાસે રુકમાવતી નદી વગર વરસાદે વહેતી થઇ
ગઢશીશા, તા. 21 : માંડવી તાલુકાના રામપર-વેકરા પાસેથી પસાર થતી રુકમાવતી નદી વગર વરસાદે એકાએક વહેવા લાગતાં સમગ્ર વિસ્તારમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. કોઇ ચેકડેમ તૂટવાના કારણે આવું બન્યાનું અનુમાન વચ્ચે સંબંધિત તંત્રો મોડીસાંજ સુધી ઘટનાથી અજાણ રહ્યા હતા.રામપર-વેકરાના અખબાર વિતરક રમેશભાઇ જોશી અને ગંગેશ્વર મહાદેવ મંદિરના પૂજારી ખીમગર ગોસ્વામીને આ બાબતની જાણ થતાં વાડાસર ગામના સરપંચ પ્રીતિબેન કેરાઇનો સંપર્ક સાધ્યો હતો. તેમના જણાવ્યાનુસાર અહીં કોઇ ચેકડેમ નથી તૂટયો પણ નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થયો તે હકીકત છે. કદાચ વાંઢાય વિસ્તારમાં કોઇ ચેકડેમ તૂટયો હોય તેના કારણે રામપર-વેકરાની રુકમાવતી નદી વહેતી થઇ હોઇ શકે. જો કે, આ વાતથી સંબંધિત તંત્ર અજાણ હોય તેમ સાંજ સુધી કોઇ સત્તાવાર સમર્થન મળ્યું ન હતું. જો આવી કોઇ ઘટના ઘટી હોય તો ચેકડેમનું સમારકામ કરવું જરૂરી બની ગયાનો મત સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer