પ્રાંત અધિકારીના આદેશ ન મનાતાં મુખ્યમંત્રીને રજૂઆત

પ્રાંત અધિકારીના આદેશ ન મનાતાં મુખ્યમંત્રીને રજૂઆત
ગાંધીધામ, તા.21 : આ શહેર સંકુલમાં પાલિકાના વલણના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં વધારો થયો છે. આદિપુરમાં એસ.ઓ.જી. કચેરીથી ડી.એ.ઝેડ. સુધી આવતા વરસાદી નાળામાં આવતી ગટરથી અહીંના લોકો વાઝ આવી ગયા છે. આ અંગે પ્રાંત અધિકારી સમક્ષ જાહેરહિતની અરજી કરાઈ હતી. જેમાં અહીંના મામલતદારને પંચનામું કરવા આદેશ કરાયો હોવા છતાં તે ન કરાતાં અંતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.આ સંકુલમાં છેલ્લા કેટલાક સમયથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ વધ્યા છે. લોકો ટપોટપ માંદગીના બિછાને પડી રહ્યા છે. આવામાં પાલિકાના બેદરકારીભર્યા વલણને કારણે આવા કેસમાં વધારો થઈ રહ્યો છે. આદિપુરમાં એસ.ઓ.જી. કચેરી (જૂના પોલીસ સ્ટેશન) પાછળથી નીકળતા વરસાદી નાળામાં છેલ્લા લાંબા સમયથી ગટરનું ગંદું પાણી આવી રહ્યું છે. આ ગંદું પાણી અહીંથી પ્રોફેસર કોલોની, બી.એસ.એન.એલ. થઈને છેક ડી.એ.ઝેડ. વિસ્તાર સુધી પહોંચે છે જેના કારણે અનેક લોકો માંદા પડયા છે. આ નાળામાં મરંમત અને યોગ્ય સફાઈ ન થતાં જાહેર ઉપદ્રવ થયો હતો. જે અંગે આદિપુરના હરેશ એન. આસનાની તથા અનિલ એસ. નાથાણીએ નગરપાલિકાને આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા સી.આર.પી.સી.ની કલમ 133 હેઠળ નોટિસ પાઠવી હતી. તેમ છતાં પાલિકાની ઉંઘ ન ઉડતાં અંતે અંજાર પ્રાંત અધિકારી સમક્ષ કલમ 133 મુજબ ફરિયાદ કરવામાં આવી હતી.આ પ્રકરણ અંગે ગત તા. 12/10ના પ્રાંત અધિકારીએ સુનાવણી હાથ ધરી હતી. પરંતુ આ સુનાવણીમાં પણ અહીંની પાલિકાના મુખ્ય અધિકારી દર્શનસિંહ ચાવડા કે અન્ય કોઈ અધિકારી હાજર ન થઈ પ્રાંત અધિકારીની અવગણના કરી હતી. દરમ્યાન અરજદારોએ સ્થળ પંચનામાની અરજી કરતાં પ્રાંત અધિકારી ડો. બી.કે. જોશીએ ગાંધીધામ મામલતદાર ચિરાગ હિરવાણિયાને તા.21/10 સુધીમાં સ્થળ પંચનામું કરી રિપોર્ટ કરવા આદેશ આપ્યો હતો. પરંતુ પ્રાંત અધિકારીના આ આદેશને પણ ઘોળીને પી જવાયો હતો અને મામલતદારે સ્થળ પંચનામું કર્યું ન હતું. તેવું આ અરજદારોએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું. રાજયની વડી અદાલત તથા દેશની સર્વોચ્ચ અદાલતે કલમ-133 હેઠળની અરજી, ફરિયાદમાં તાત્કાલિક નિર્ણય કરવા આ આદેશ આપ્યો હોવા છતાં અહીંના અધિકારીઓ પ્રાંત અધિકારીને પણ ગાંઠતા નથી.મુખ્ય અધિકારી અને મામલતદાર પ્રાંત અધિકારીના હુકમનું પાલન કરે તે અંગે યોગ્ય આદેશ આપવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer