પાપુઆ ન્યૂ ગિનીને 84 રને હરાવી બાંગલાદેશ સુપર-12 રાઉન્ડમાં

અલ અમિરાત, તા. 21 : અનુભવી ઓલરાઉન્ડર શકિબ અલ હસનના પહેલા બેટ અને પછી બોલથી કરેલા શાનદાર દેખાવથી બાંગલાદેશ ટી-20 વિશ્વ કપના સુપર-12 રાઉન્ડમાં પહોંચી ગયું છે. આજની ગ્રુપ બીની પહેલી રાઉન્ડના પોતાની આખરી લીગ મેચમાં બંગલાદેશનો પાપુઆ ન્યૂ ગિની સામે 84 રને જોરદાર વિજય થયો હતો. બાંગલાદેશના 20 ઓવરમાં 7 વિકેટે 181 રનના જવાબમાં પાપુઆ ન્યૂ ગિનીની ટીમ 19.3 ઓવરમાં 97 રને ડૂલ થઇ ગઇ હતી. શકિબની આગેવાનીમાં બાંગલાદેશની શાનદાર બોલિંગ સામે પાપુઆનો ધબડકો થયો હતો. તેના ટોચના સાત બેટધર ડબલ ફીગર સુધી પહોંચી શકયા ન હતા. આથી 29 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. બાદમાં આઠમા ક્રમના ખેલાડી કિલ્પિન ડોરિગાએ 34 દડામાં 2 ચોકકા-2 છકકાથી 46 રનની અણનમ ઇનિંગ રમીને પાપુઆ ન્યૂ ગિનીને 97 રન સુધી પહોંચાડયું હતું. આ સિવાય નવમા નંબરના ખેલાડી  કાપુઆ વાગીએ 11 રન કર્યાં હતા. બંગલાદેશ તરફથી શકિબ અલ હસને 4 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સૈફૂદીન અને તસ્કીન અહેમદને 2-2 વિકેટ મળી હતી. આ પહેલા બંગલાદેશે કપ્તાન મહમદુલ્લાના 28 દડામાં 3 ચોકકા-3 છકકાથી પ0, શકિબના 46 અને લિટનદાસના 29 રનની મદદથી કરો યા મરો સમાન મેચમાં 20 ઓવરમાં 7 વિકેટે 181 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. બંગલાદેશના 3 મેચમાં 4 પોઇન્ટ થયા છે. તેના ગ્રુપમાં ટોચ પર રહીને તે સુપર-12માં પ્રવેશ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer