અંજારના લેન્ડ ગ્રેબિંગમાં હાઇકોર્ટનું રૂકજાવ : ડ્રગ્સ કેસમાં ટૂંકાગાળાના જામીન

ભુજ, તા. 21 : અંજાર પોલીસ મથકમાં દાખલ થયેલા લેન્ડ ગ્રેબીંગ ધારાના કેસમાં આરોપી મોહિત ભરત પૂજારા સામેની કાર્યવાહી વિરૂઘ્ધ રાજયની વડી અદાલતે મનાઇહુકમ આપ્યો હતો. તો બીજીબાજુ ચકચારી હેરોઇન પ્રકરણમાં નૈરોબીથી પકડાયેલા આરોપી મુનાફ ઉર્ફે મોહમદ અનવર અબ્દુલ્લ મજીદ હાલારીને વચગાળાના જામીન અપાયા હતા.અંજારના કિસ્સામાં ગાંધીનગર ખાતે થયેલી અપીલ પેન્ડીંગ હોવા છતાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ કરાઇ હોવાની રાવ સાથે હાઇકોર્ટ સમક્ષ ધા નખાઇ હતી. જેમાં હાઇકોર્ટે આગળની કોઇ કાર્યવાહી ન કરવા આદેશ કરી મનાઇહુકમ આપ્યો હતો. આ કેસમાં મોહિત પૂજારા વતી વકીલ તરીકે આશિષ એમ. ડગલી અને દિનેશ જે. રાવલ રહયા હતા. બીજીબાજુ જાન્યુઆરી-2020માં જખૌ બંદરે ઝમઝમ નામની બોટમાંથી પાંચ આરોપી સાથે હેરોઇન પકડાવાના ચકચારી મામલામાં નૈરોબી ખાતેથી ધરપકડ કરાયેલા મુનાફ હાલારીને વચગાળાના જામીન અપાયા હતા. ભુજની ખાસ કોર્ટએ શરતોને આધિન આ વચગાળાના મંજુર કર્યા હતા. આરોપીના વકીલ તરીકે મામદ આઇ. હિંગોરા, આઇ.ડી. પઠાણ, સમીર પઠાણ, વી.કે. સાંધ, કે.આઇ. સમા અને એસ.જી. માંજોઠી રહયા હતા. - દારૂના કેસમાં આગોતરા  : દેશી દારૂ અને દારૂ બનાવવા માટેનો આથો પોલીસ દ્વાારા પકડાવાના મામલામાં વેકરા (તા.માંડવી)ના જયપાલાસિંહ દિલુભા જાડેજાને આગોતરા જામીન જિલ્લા અદાલત દ્વારા અપાયા હતા. આરોપીના વકીલ તરીકે કુલદિપ મહેતા, દેવરાજ કે. ગઢવી, નરેશ ચૌધરી રહયા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer