અંજારના યુવાનને દવાઓ આપવાનું કહી દિલ્હીના ઠગે છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યો

ગાંધીધામ, તા. 21 : અંજારમાં એક યુવાનને દવાઓ આપવાના બહાને એક શખ્સે પૈસા મેળવી લઈ દવા કે પૈસા પરત ન આપતાં આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. અંજારમાં રહેતા હિતેશ માવજી ચોટારા (સોરઠિયા) નામના યુવાન આ બનાવનો ભોગ બન્યા હતા. આ ફરિયાદી ગત તા.15/9ના અંજારના સવાસર નાકે આહીર  ખેતી વિકાસ કેન્દ્ર ઉપર હતા, ત્યારે દિલ્હીના રાહુલ બજરંગ ગોયલ ઉર્ફે પવન બંસલ નામના શખ્સ સાથે તેમનો ભેટો થયો હતો.દિલ્હીના આ ઠગે ફરિયાદીને અલગ-અલગ દવાઓ આપવાના બહાને વિશ્વાસમાં લીધો હતો અને જુદા-જુદા મોબાઈલ નંબર તથા બેન્ક ખાતામાં આ ફરિયાદી પાસેથી ઓનલાઈન રૂપિયા મેળવી લીધા હતા, બાદમાં આ શખ્સે માલ ન પહોંચાડતાં કે પૈસા પરત ન આપતાં ફરિયાદીને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાયું હતું. તેણે પોલીસ મથકે દિલ્હીના આ ઠગ વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડીની કલમો તળે ફરિયાદ નોંધાવી હતી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer