કૃષિ સહાય અંગે જિલ્લાને બાકાત રખાતાં ખેડૂતોમાં નારાજગી

કૃષિ સહાય અંગે જિલ્લાને બાકાત રખાતાં ખેડૂતોમાં નારાજગી
કાઠડા (તા. માંડવી), તા. 21 : ચાલુ વર્ષે પાછોતરો અને અપૂરતો વરસાદ થતાં કચ્છની ખેતી ઉપર તેની ગંભીર અસર જોવા મળી છે અને મુખ્યત્વે રોકડિયા પાક કપાસને મોટું નુકસાન થયું છે. અમુક તાલુકામાં આ પાક નહિવત્ પ્રમાણમાં છે. જેથી ખેડૂતોને આર્થિક ફટકો લાગ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરાયું છે જેમાં કચ્છના ખેડૂતોને આવરવામાં ન આવતાં ધરતીપુત્રોમાં નારાજગી ફલાઇ છે.આ અંગે માંડવી તાલુકા કિસાન સંઘ પ્રમુખ રતિલાલ હાલાઇ અને પૂર્વ પ્રમુખ પરસોત્તમભાઇ પોકારે વેદના ઠાલવતાં જણાવ્યું હતું કે, કચ્છના ખેડૂતોને દર વર્ષ અન્યાય કરાય છે. ચાલુ વર્ષે પાછાતરા વરસાદથી ખેતીમાં મોટાપાયે નુકસાન થયું છે, જેના માટે કચ્છને બાકાત રખાયું, તો ગત વર્ષ અતિવૃષ્ટિમાં થયેલા પાકની નુકસાનીના વળતર અંગે સરકાર દ્વારા બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાઇ હતી જેથી ખેડૂતોને નજીવો લાભ મળ્યો અને ચાલુ વર્ષે પણ કચ્છના પ્રતિનિધિઓ દ્વારા રજૂઆત ન કરાતાં કચ્છને બાકાત રખાયું છે તેવું લાગી રહ્યું છે.રાજકીય કાર્યક્રમોમાં પ્રગતિશીલ ખેડૂતોની વાતો કરાય છે અને ખેતીની આવક બમણી થઇ રહી છે તેવી જાહેર કાર્યક્રમોમાં ચર્ચાઓ થાય છે, પરંતુ પરિસ્થિતિ તો જુદી છે.દિવસોદિવસ ખેડૂતો પાયમાલ થઇ રહ્યા છે અને આપઘાતના કિસ્સા વધી રહ્યા છે ત્યારે સરકારે ખેડૂતોની પરિસ્થિતિ શું છે તે વિચારવું જોઇએ.ગત વર્ષે ભયંકર મહામારી કોરોનાના સમયે આર્થિક વિકાસ ટકાવવામાં ખેડૂતોનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો અને સંકટ સમય હરહંમેશ ખેડૂતો જ ઉપયોગી બન્યા છે, તો હાલમાં જ્યારે તેમના ઉપર સંકટ આવ્યું છે ત્યારે રાજકીય આગેવાનો કેમ ચૂપ છે ? તેવા સવાલો કર્યા હતા.આ અંગે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, કૃષિ સહાય અંગે જો કચ્છના ખેડૂતોને વંચિત રખાયા હશે તો ધારાસભ્ય, સાંસદ સહિતના પ્રતિનિધિઓ સરકારને રજૂઆત કરશે અને જિલ્લાના તમામ ખેડૂતોને ન્યાય અપાવીશું તેવી ખાતરી આપી હતી.સરકાર દ્વારા રાજકીય કાર્યક્રમોમાં ખેડૂતોને આવરવામાં નથી આવતા જે અંગે પૂછતાં ધારાસભ્યએ જણાવ્યું કે, ખેડૂતોને સાથે જ રખાય છે છતાંય પણ એવું બન્યું હોય તો અમે ખેડૂતોને સાથે જ રાખશું અને સૌ સાથે મળી ખેતીના વિકાસ અંગે વિચાર-વિમર્શ કરશું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer