લેવા પટેલ સમાજના સિવિલ સેવા તાલીમ કેન્દ્રમાં શ્રેષ્ઠ શિક્ષણ આપવા નિર્ધાર

લેવા પટેલ સમાજના સિવિલ સેવા તાલીમ કેન્દ્રમાં શ્રેષ્ઠ શિક્ષણ આપવા નિર્ધાર
કેરા (તા. ભુજ), તા. 21 : છેલ્લા ત્રણ વર્ષથી કચ્છી લેવા પટેલ સમાજ ભુજે શરૂ કરેલા સિવિલ સેવા તાલીમ કેન્દ્રમાં જિ.વિ. અધિકારી ભવ્ય વર્મા અને તાજેતરમાં નાયબ કલેક્ટર પરીક્ષામાં પ્રથમ રેન્કમાં ઉત્તીર્ણ જયવીરદાન ગઢવીના માર્ગદર્શન સત્ર યોજાયા હતા. આ કેન્દ્રમાં શ્રેષ્ઠ શિક્ષણ આપવા કચ્છી દાતા હસુભાઈ ભુડિયા સહિતનાએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. લક્ષ્ય નિર્ધારિત કરી સતત બે વર્ષથી વિવિધ માધ્યમોનો સચોટ ઉપયોગ કરનાર જયવીરદાન ગઢવીએ ભુજ ખાતે ચાલતા કેન્દ્રમાં 200થી વધુ છાત્રોને આદર્શ રજૂ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ પણ એક સત્ર લીધું હતું અને તાલીમાર્થીઓને સફળતાની ચાવીઓ આપી હતી. આ આયોજનમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન રમેશભાઈ કારાએ સમાજના ભવિષ્ય માટે વર્તમાન કમિટીની મહેનત બિરદાવી હતી. કચ્છી લેવા પટેલ સમાજ ભુજના ટપકેશ્વરી રસ્તે નિર્માણાધીન નૂતન શૈક્ષણિક સંકુલના દાતા અને કચ્છી ઉદ્યોગપતિ હસમુખભાઈ કાનજી ભુડિયા (મોમ્બાસા) સમાજના શૈક્ષણિક પ્રકલ્પને સતત માર્ગદર્શિત કરતા રહે છે. તેમણે કાર્યકરો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, પ્રાથમિકથી માધ્યમિક, સ્નતાક-અનુસ્નાતક, નર્સિંગ, પેરામેડિકલ અને કૌશલ્યવર્ધનના કોર્સ પરિણામલક્ષી ચાલે તેવું સંકુલ બની રહ્યંy છે ત્યારે રાષ્ટ્રને શ્રેષ્ઠ સનદી બુદ્ધિધન મળે તે માટે સમાજના સિવિલ સેવા તાલીમ કેન્દ્રમાં શ્રેષ્ઠ શિક્ષણ ઉપલબ્ધ કરાવવું જોઈએ. હાલ આ કેન્દ્ર સમાજ સંકુલમાં ચલાવાઈ રહ્યું છે. વિવિધ માર્ગદર્શન સત્રમાં સમાજની ત્રણેય પાંખોના કાર્યકરો સહિયારી જહેમત ઉઠાવી રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer