ગાંધીધામ પાલિકાને વડી અદાલતની ફટકાર

ગાંધીધામ પાલિકાને વડી અદાલતની ફટકાર
ગાંધીધામ, તા. 17 : અહીંની નગરપાલિકાની શિણાય ખાતે આવેલી જૂની લેન્ડફીલ સાઇટ ઉપર રહેલા ઘન કચરાના નિકાલ અંગે રાજ્યની વડી અદાલતે ટકોર કરી હોવા છતાં નગરપાલિકાએ છેલ્લા બે મહિનામાં આ અંગે કાંઇ જ ન કરતાં વડી અદાલતે પાલિકાની ભારે ઝાટકણી કાઢી હતી. સાથે સાથે પાલિકાના બોર્ડને સુપરસીડ કરવા જણાવી દેતાં હડકંપ મચ્યો છે. આજે આ આદેશને લઇને વિપક્ષ?કોંગ્રેસે પાલિકા સમક્ષ ભારે વિરોધ નોંધાવ્યો હતો.અહીંની નગરપાલિકાની જૂની લેન્ડફીલ સાઇટ શિણાય અંગે વિનેશ રામજી વાણિયા રાજ્યની વડી અદાલતમાં વર્ષ 2016માં ગયા હતા. આ સાઇટ?બંધ કરાવી અન્ય સાઇટ વિકસાવવા રાજ્યની વડી અદાલતે અગાઉ ચુકાદો આપ્યો હતો, જેના કારણે વાડી નજીક નવી લેન્ડ ફીલ સાઇટ શરૂ?કરાઇ હતી, પરંતુ શિણાય સાઇટમાં રહેલા 1,70,000 ટન ઘન કચરાનો કોઇ જ નિકાલ કરાતો નથી.આ પ્રકરણ અંગે ગત તા. 15/7ના વડી અદાલતમાં સુનાવણી કરવામાં આવી હતી જેમાં પાલિકાએ અમે કરોડોના ખર્ચે આ ઘન કચરાનો નિકાલ કરશું તેવું જણાવ્યું હતું. સ્વચ્છ ભારત અભિયાન યોજના હેઠળ મળેલી 11 કરોડ ઉપરાંતની રકમમાંથી આ કામ થવાનું હતું પરંતુ અહીંની પાલિકાએ બે મહિનામાં કાંઇ જ કર્યું નહોતું. ગઇકાલે રાજ્યની વડી અદાલતમાં થયેલી સુનાવણી દરમ્યાન આ બે મહિનામાં કાંઇ ન કર્યા અંગે ન્યાયાધીશોએ અહીંની નગરપાલિકાને સુપરસીડ કરવાની ચીમકી આપી હતી તથા પાલિકાના નગરસેવકો નકામા હોવાનું પણ?કહ્યું હતું. પાલિકામાં 99 ટકા રાજકારણ અને માત્ર 1 ટકામાં જ વહીવટી કામ થતું હોવાનું પણ જણાવાયું હતું. મુખ્ય અધિકારી પણ ઘરે જાય તેવી આકરી ઝાટકણી કાઢી હતી.પાલિકાના મુખ્ય અધિકારી, પ્રમુખ, ઉપપ્રમુખ, નગરસેવકો અદ્ભુત હોવાનું પણ જણાવાયું હતું. સ્વચ્છ ભારત અભિયાન યોજના હેઠળ આવેલી 11 કરોડ ઉપરાંતની ગ્રાંટ જે આ પ્રોજેક્ટમાં વાપરવાની હતી તે રાજ્ય સરકારમાં પરત જમા કરાવવા આદેશ કરાયો હતો જેથી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારમાં આ રકમ પરત મોકલાવી શકે. ન્યાયાલય સમક્ષ અપમાનજનક અને ગેરવ્યાજબી વલણ અને જે રીતે પાલિકાના સમગ્ર બોર્ડે પોતે સંચાલન કર્યું છે તેના કારણે સમગ્ર બોર્ડને સુપરસીડ કરવાનું જણાવાયું હતું. જો કે, આ બાબતે આગામી તા. 30/9ના સુનાવણીમાં નિર્ણય કરવામાં આવશે તેવું ગઇકાલે અપાયેલા ચુકાદામાં જણાવાયું હતું.દરમ્યાન, કોર્ટના આ ચુકાદા બાદ આજે સવારે કોંગ્રેસી અગ્રણીઓ નગરપાલિકામાં ધસી ગયા હતા અને રાજ્યની વડી અદાલતે અહીંની પાલિકાને અરીસો બતાવ્યો તેવા સૂત્રોચ્ચાર સાથે સ્ટીકર ચોંટાડયા હતા. ન્યાયપાલિકાની આ ગંભીર ટકોર બદલ કોંગ્રેસના અગ્રણીઓ પાલિકાના હોદ્દેદારો, અધિકારીઓને ઢંઢોળવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. પરંતુ સમગ્ર પાલિકા કચેરી ખાલી હોવાથી કોંગ્રેસીઓએ ટીખળ કરી હતી કે કોર્ટના ચુકાદાને પગલે હોદ્દેદારો પાલિકા મૂકીને નાસી ગયા હતા. આ તમામ હોદ્દેદારો આજે વડાપ્રધાનના જન્મદિનની ઉજવણીમાં વ્યસ્ત હતા જ્યારે અરજદારો વિલા મોઢે પરત ફરતા હતા. આ પ્રસંગે સંજય ગાંધી, દશરથસિંહ ખંગારોત, અમિત ચાવડા, કપિલ પાંધી, ચેતન જોશી, જગદીશ ગઢવી, લતીફ ખલીફા, વાલજી મહેશ્વરી વગેરે હાજર રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer