અબડાસામાં જ્યાં જ્યાં પાછોતરો વરસાદ વધુ વરસ્યો ત્યાં ખરીફના કપાસનો `ખો'' નીકળી ગયો

અબડાસામાં જ્યાં જ્યાં પાછોતરો વરસાદ વધુ વરસ્યો ત્યાં ખરીફના કપાસનો `ખો'' નીકળી ગયો
નલિયા, તા. 17 : અબડાસામાં પાછોતરો વરસાદ થતાં ખરીફ પાક કપાસને સારું એવું નુકસાન થયું છે. વરાડિયા ગામની આજુબાજુના સીમતળ વિસ્તારમાં 500થી વધુ એકરમાં કપાસનો ફાલ વરસાદમાં ધોવાઇ ગયો છે. કેટલાક ખેડૂતોના જણાવ્યા અનુસાર ખરીફ પાક કપાસનું મે-જૂન મહિનામાં વાવેતર થયા પછી હવે આ ફાલમાં ડેડીઓ પણ આવી ગઇ હતી. સતત વરસાદના પગલે તાલુકાના વરાડિયા, આમરવાંઢ, સાંધવ, સાંધાણ, અબડાસાને અડીને આવેલા માંડવી તાલુકાના વિંઢ, મોડકુબા સીમમાં પણ કપાસના ફાલને નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું. આમ તો અબડાસાના 30થી 35 ગામોની પિયત જમીનમાં કપાસનું અંદાજિત એકાદ લાખ એકર જમીનમાં વાવેતર થયું છે. જેથી કપાસના છોડમાં મોટાભાગના વિસ્તારમાં ફૂલ, ડેડીઓ આવી ગઇ છે. આ તમામ ગામોમાં વરસાદનું જોર ઝાઝું રહ્યું ન હતું. જ્યાં જ્યાં ભાદરવામાં સતત વરસાદ થયો હતો. ત્યાં આ વરસાદે ખરીફ પાકને જફા પહોંચાડતાં ખેડૂતો નુકસાનીની રાડારાડ કરી રહ્યા છે. વરાડિયા સીમમાં ઉત્તર બાજુએ કપાસનું 12 એકરમાં વાવેતર કરનાર સાલેમામદ મંધરા નામના ખેડૂતનો 6 એકરમાં ફાલ નકામો બની ગયો છે. તેવી જ રીતે અલગ-અલગ વિસ્તારમાં 40થી 45 ખેડૂતોનો કપાસનો ફાલ નકામો બની ગયો હોવાનું કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું. આમ તો પાક વીમા યોજના અમલમાં છે પરંતુ ખેડૂતો પાસે કિસાન કાર્ડ હોય તો જ વીમો ઉતારતા હોય છે. મોટાભાગના ખેડૂતોએ પાક વીમો ઉતાર્યો નથી. જેથી તેમને વીમાનો લાભ પણ મળશે નહીં તે નિશ્ચિત છે. અબડાસામાં અતિવૃષ્ટિ જેવું ન હોતાં સરકારી રાહે પણ નુકસાની વળતર નહીં મળે જેના કારણે ખેડૂતો ભીંસમાં આવી ગયા છે. બીજીતરફ પાંચ-છ ગામોની કોણીયારા નામક સીમમાં છેલ્લા 3-4 દિવસ અસહ્ય તાપ અને ગરમીના કારણે કપાસને સૂકારા નામનો રોગચાળો લાગી પડતાં 5000 એકર જમીનમાં 1000થી 1200 ખેડૂતોએ વાવેલા કપાસનો ફાલ 80 ટકા નષ્ટ પામ્યો છે. આ અંગે લાલાના માજી સરપંચ અને ખેડૂત એવા આમદભાઇ સંઘારના જણાવ્યા મુજબ કોણિયારા નામક સીમ હેઠળના લાલા, પ્રજાઉ, સિંધોડી, વિંગાબેર, બુડિયા વગેરે ગામોની સીમમાં કપાસનો 80 ટકા જેટલો ફાલ નકામો બની જતાં ખેડૂતો 'અમોડા' આવી જતાં ઉચાળા ભરી રહ્યા છે. પ્રત્યેક એકર પાછળ બિયારણ અને મજૂરી સાથે પિયત વગેરેનો 15000 જેટલો ખર્ચ કરેલ છે. ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવાનું જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer