સરકાર દરેક વર્ગના લોકોની ચિંતા કરે છે

સરકાર દરેક વર્ગના લોકોની ચિંતા કરે છે
ભુજ, તા. 17 : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને તેમના અંત્યોદય વિકાસના સંકલ્પને સાકાર કરવા ગુજરાતમાં 400થી વધુ સ્થળોએ ગરીબ હિતલક્ષી કાર્યક્રમ દ્વારા ગુજરાત કૃતજ્ઞતા વ્યકત કરી ગરીબ, છેવાડાના અંતિતના લોકોને ઉન્નત કરવાનો પ્રયાસ સરકાર કરી રહી છે એમ મંત્રી અર્જુનાસિંહ ચૌહાણે જણાવ્યું હતું. વડાપ્રધાન શ્રી મોદીના જન્મદિન નિમિત્તે કચ્છ જિલ્લામાં પણ ઉજવાઇ રહેલા ગરીબ હિતલક્ષી કૃતજ્ઞતા કાર્યક્રમ હેઠળ આજે ભુજ ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી ચૌહાણે `ગરીબોની બેલી સરકાર'ના સંકલ્પને સાકાર કરવા આહ્વાન કર્યુ હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌનો સાથ સૌનો વિકાસને વરેલી સરકાર સૌની ચિંતા કરે છે. સમાજના દરેક વર્ગની સાથે રહી સતત સૌના વિકાસ માટે કાર્યાન્વિત સરકારની 250 ઉપરાંત વિવિધ યોજનાઓનો સીધો લાભ પ્રજાને પ્રત્યક્ષ મળે છે. અંત્યોદયને સાકાર કરવા સરકાર ગરીબોની પડખે ઊભી છે. સાંસદ વિનોદભાઇ ચાવડાએ આ તકે જણાવ્યું હતું કે, દરેક સમાજના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ સરકારે બનાવી છે. પ્રધાનમંત્રી ગરીબો માટે વાસ્તવિક અર્થમાં અનેકવિધ સહાયના લાભો આપી પ્રજા ઉત્થાનના પ્રયત્નો કર્યા છે. સમગ્ર ભારત વર્ષમાં થઇ રહેલી ઉજવણી પૈકી કચ્છમાં પણ ઉજ્જવલા યોજના, કોરોના વેક્સિસનેશન કામગીરી અને સ્વચ્છ ભારત મિશન તેમજ કોરોનામાં અનાથ બાળકો માટે મુખ્યમંત્રીશ્રી બાળ સહાય યોજના હેઠળ લાભાર્થીઓને સહાય અપાશે. ભુજ મદદનીશ કલેકટર અતિરાગ ચપલોતે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ઉજ્જવલા યોજના 2.0 હેઠળ નવા 11647 ગેસ કનેકશન ઈસ્યુ કરાશે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ જિલ્લામાં 514 સિંગલ પેરેન્ટ અને 60 અનાથ બાળકોના ખાતામાં રૂા. 2 હજારની સીધી સહાય જમા કરાશે. સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય અંગે કામગીરી કરાશે તેમજ કોરોના વેક્સિનેશન પ્રોગ્રામ હેઠળ કોરોના રસીનો પ્રથમ ડોઝ 100 ટકા પૂર્ણ કરનાર 220 ગામોના સરપંચોને સન્માન પ્રમાણપત્ર અપાશે. આજના દિન 55 વિધવા સહાય અને 21 વહાલી દીકરીના હુકમપત્રો આપવામાં આવશે. કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0ના લાભાર્થીને કિટ અને કાર્ડ વિતરણ, મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની સહાય પ્રમાણપત્ર, વહાલી દીકરી યોજના હુકમપત્રો, ગંગાસ્વરૂપા વિધવા સહાય યોજનાપત્રો, અન્નકિટ વિતરણ, શૌચાલયયુકત ગામો તેમજ 100 ટકા રસીકરણ થયેલા ગામના સરપંચોનાં સન્માન કરવામાં આવ્યાં હતાં. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા, એપીએમસી ચેરમેન કેશુભાઇ પટેલ, પ્રભારી હિતેશભાઇ ચૌધરી, કલેકટર પ્રવીણા ડી.કે., નિવાસી અધિક કલેકટર હનુમંતાસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ડીઆરડીએ ઈન્ચાર્જ નિયામક આસ્થા સોલંકી તેમજ સમાજ અગ્રણીઓ, લાભાર્થીઓ અને વિવિધ સબંધિત કચેરીઓના અધિકારીઓ, નગરજનો હાજર રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer