મોદીના જન્મદિને અઢી કરોડથી વધુ રસીનો વિક્રમ

નવી દિલ્હી, તા.17 :વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસે શુક્રવારે છેડાયેલાદેશવ્યાપીરસીકરણ મહાઅભિયાનને જંગી જનપ્રતિસાદ સાથે ઐતિહાસિક સફળતા મળી હતી. માત્ર એક દિવસમાં અઢી કરોડથી વધુ લોકોને  રસીનું સુરક્ષા કવચ અપાતાં ભારતે આજે ચીનને પાછળ રાખી દઇને વિશ્વવિક્રમ સર્જ્યો હતો. આજે 2 કરોડ 50 લાખ 10,390 લોકોને રસી અપાઇ?હતી. ભારત તમામ યુરોપીય દેશોમાં અપાયેલા ડોઝ કરતાં વધુ ડોઝ આપનાર દેશ બની ગયો છે.આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અગાઉથી 77.77 કરોડથી  વધુ ડોઝ ઉપલબ્ધ કરાવાયા હતા.ભારતમાં આજે ચોથીવાર એક દિવસમાં એક કરોડથી વધુ રસીના ડોઝ અપાયા હતા. અગાઉ 27મી ઓગસ્ટ, 31 ઓગસ્ટ અને છ સપ્ટેમ્બરના એક દિવસમાં એક કરોડથી વધુ ડોઝ અપાયા હતા. આખેઆખાં ન્યૂઝીલેન્ડની આબાદી કરતાં ચારગણી  વધુ આબાદીને ભારતમાં આજે એક જ દિવસમાં રસી આપી દઇને ભારતે રસીકરણનાં અભિયાનમાં  દુનિયા આખીનું ધ્યાન ખેંચતી નેત્રદીપક સફળતા મેળવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને  વિક્રમી રસીકરણ બદલ  અભિયાનને ગતિ આપનાર તબીબો, નર્સો, સ્વયંસેવકો, કાર્યકરો તેમજ રસી લેનારા લોકોને અભિનંદન આપ્યા હતા.ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોમાં 27 લાખ જેટલા ડોઝ સાથે કર્ણાટક મોખરે રહ્યું હતું, તો બિહારમાં 26 લાખ, ઉત્તરપ્રદેશમાં 25 લાખ, મધ્યપ્રદેશમાં 24 લાખ, વડાપ્રધાનના ગૃહરાજ્ય ગુજરાતમાં 22.15 લાખ ડોઝ અપાયા હતા.આજે શુક્રવારે બપોરે જ 1:40 મિનિટે આંક 1 કરોડને કૂદાવી ગયો અને 1.પ0 કરોડે પહોંચતાં 100 મિનિટ માંડ લાગી હતી. સાંજે 4:30 સુધીમાં 1.7પ કરોડ લોકોને વેકિસન ડોઝ અપાઈ ચૂકયા હતા. રાત સુધીમાં તો એ આંકડો બે કરોડને પાર કરી ગયો હતો. કોરોના સામેની લડાઈમાં ભારતે દુનિયાને દોરવણી આપતાં શુક્રવારે પ્રત્યેક સેકન્ડે 527થી વધુ ડોઝ અને દર કલાકે 19 લાખી વધુ ડોઝ આપ્યા હતા. એક દિવસમાં ભારતે જેટલા લોકોનું કોરોના રસીકરણ કરી બતાવ્યું તે દુનિયા માટે અભૂતપૂર્વ છે. રસીકરણમાં એક દિવસમાં 1 કરોડના આંકને પાર કરવામાં આવ્યો હોવાનું ચોથી વખત બન્યું છે. વડાપ્રધાનના જન્મદિવસને ખાસ બનાવવા વધુને વધુ લોકોનું રસીકરણ કરવાનું મહાઅભિયાન અનેક શહેરોમાં તંત્ર દ્વારા ગુરુવારે રાત્રે 1ર કલાકથી જ શરૂ કરી દેવામાં આવ્યું હતું. છેલ્લી સ્થિતિએ આંક ર.25 કરોડને કૂદાવી ગયો હતો. ગત બુધવાર સુધીમાં દેશમાં રસીકરણનો આંક 76 કરોડને કૂદાવી ગયો હતો.રાજ્યોની જરૂરિયાત મુજબ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. કેન્દ્ર દ્વારા પૂરતો સપ્લાય કરવામાં આવ્યો છે. શુક્રવારે સાંજ સુધી રાજ્યો પાસે 7.60 કરોડ વેક્સિન ડોઝ ઉપલબ્ધ હતા. આ પહેલાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અત્યાર સુધી વેક્સિન નહીં લીધેલા લોકોને વડાપ્રધાનને જન્મદિવસે વેક્સિન ડોઝ લઈ ભેટ આપવા ટ્વિટથી અપીલ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer