પેટ્રોલ-ડીઝલ સસ્તાં થવાની આશા ફળી નહીં

નવી દિલ્હી, તા. 17 : પેટ્રોલ અને ડીઝલને જીએટી હેઠળ લાવવામાં આવશે અને તેની આભને આંબતી કિંમતોમાં ઘટાડો થશે એવી આશા ફળી નહોતી અને આજે જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલિયમને લઈને કોઈ નિર્ણય લેવાયો નહોતો. બીજી તરફ કેન્સરની દવાઓ પરની જીએસટી દર 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે એ જ રીતે બાયોડીઝલનો વેરો પણ ઘટાડીને પાંચ ટકા કરાયો છે. કોરોનાની દવાઓ પરની વેરાછૂટ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે, પણ ઓનલાઈન ખાણીપીણી મંગાવવી મોંઘી બનશે. કારણ કે ઝોમેટો અને સ્વિગી જેવા પ્લેટફોર્મ પર પાંચ ટકા જીએસટી લાદવાનો નિર્ણય લેવાયો હતો.એવા હેવાલ છે કે છ રાજ્યએ પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત લાવવાનો વિરોધ કર્યો હતો. જો પેટ્રોલ અને ડીઝલ જીએસટી હેઠળ લાવવામાં આવ્યા હોત તો પેટ્રોલ લગભગ 28 રૂપિયા અને ડીઝલ લગભગ 2પ રૂપિયા સુધી સસ્તું થયું હોત.નાણા મંત્રી નિર્મલા સીતારામને લખનઉમાં મળેલી જીએસટી પરિષદની બેઠક બાદ જણાવ્યું હતું કે રેમડેસિવિર અને હેપરિન દવા પર પાંચ ટકા જીએસટી લાગશે. બાળકો માટે ઉપયોગમાં લેવાતી બે જીવનરક્ષક દવા પર જીએસટી લાગશે નહીં. જીએસટી કાઉન્સિલે એવો મત દર્શાવ્યો હતો કે પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવાનો હજી સમય આવ્યો નથી. સ્નાયુના રોગ માટેની ઝોલગેન્સ્મા અને વાઈલ્ટેપ્સો જેવી મોંઘી દવામાં જીએસટી મુક્તિનો નિર્ણય લેવાયો છે. કાઉન્સિલે ધાતુ પરનો જીએસટી દર પાંચ ટકાથી વધારીને 18 ટકા કરી નાખ્યો હોવાના હેવાલ છે. સ્વિગી અને ઝોમેટો દ્વારા જે તબક્કે ડિલીવરી કરવામાં આવે છે ત્યાં પાંચ ટકા જીએસટી લાગશે. તમામ પ્રકારની પેન પર 18 ટકા જીએસટી લાગશે તો અમુક ચોક્કસ પુન:પ્રાપ્ય ઊર્જાના ડિવાઈસ પર 12 ટકા જીએસટી લાગશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer