નમોના નિશાને તાલિબાનરાજ

નવી દિલ્હી, તા. 17 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે શાંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ)ની દુશાંબેમાં યોજિત વાર્ષિક બેઠકને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધતાં અફઘાનના ઉલ્લેખ સાથે જણાવ્યું હતું કે, વધતો જઇ રહેલો કટ્ટરપંથ શાંતિ, સુરક્ષા સામે પડકાર છે.તાલિબાન પર નિશાન સાધતાં મોદીએ કોઈ જાતની સમજૂતી કે કરાર વિના બનેલી તાલિબાની સરકાર સમાવેશી નથી. હથિયારોનાં બળે સત્તા પર કબ્જો કરાયો છે. મહિલા સુરક્ષા ચિંતાની બાબત છે, ત્યારે દુનિયા અફઘાન સરકાર પર સમજી-વિચારીને ફેંસલો લે એ જરૂરી છે તેવું જણાવ્યું હતું.અંતિમવાદ આતંકવાદના ઉલ્લેખ સાથે મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કર પણ પરોક્ષ પ્રહાર કર્યા હતા. મોદી બોલી રહ્યા હતા ત્યારે ઇમરાન પણ તેમને સાંભળી રહ્યા હતા.  મારું માનવું છે કે આ ક્ષેત્રમાં સૌથી મોટો પડકાર શાંતિ, સુરક્ષા અને વિશ્વાસની ખાધ સંબંધિત છે. આ સમસ્યાઓનું મૂળ કારણ વધી રહેલો કટ્ટરપંથ છે.અફઘાનમાં હાલના ઘટનાક્રમે આ પડકારોને સ્પષ્ટ કરી દીધા છે તેવું કહેવા સાથે મોદીએ એસસીએની 20મી વર્ષગાંઠ ઊજવાઇ રહી છે ત્યારે નવા સાથીઓ જોડાતાં સંગઠન વધુ વિશ્વસનીય બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. એસસીઓ દ્વારા કટ્ટરપંથ સામે લડાઇ માટે કામ થવું જોઇએ. આ લડાઇ માત્ર સુરક્ષા માટે જ નહીં પરંતુ ભવિષ્ય માટે પણ મહત્ત્વની બનશે તેવું સૂચન મોદીએ કર્યું હતું. ઇસ્લામ પર ભારતીય વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત અને એસસીઓના બધા દેશોમાં ઇસ્લામ સાથે જોડાયેલી ઉદારવાદી સહિષ્ણુ, સમાવેશી સંસ્થાઓ અને પરંપરાઓ છે.ઇરાનનું એસસીઓના નવા સભ્યના રૂપમાં સ્વાગત કરતાં મોદીએ કહ્યું હતું કે, ભારત મધ્ય એશિયા સાથે સંપર્ક સેતુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer