નવા મંત્રીઓ સોમવારે કાર્યભાર સંભાળશે

અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યો સોમવારે એટલે કે 20 સપ્ટેમ્બરે 12.39 વાગ્યાના શુભ મુહૂર્તે તેમના કાર્યાલયમાં પ્રવેશ કરી કાર્યભાર સંભાળશે. નવા મુખ્યમંત્રીના પ્રધાનમંડળના સભ્યોને 15 દિવસ ગાંધીનગર નહીં છોડવા આદેશ કરવામાં આવ્યા છે. આ દરમિયાન તેમને ફાળવેલા વિભાગો બાબતે જ કામગીરી કરવાની રહેશે. બિનજરૂરી પ્રવાસ ન કરવાની પણ સૂચના આપી દેવામાંઆવી છે. આ આદેશથી એક વાત સ્પષ્ટ છે કે વડાપ્રધાન મોદીએ આપેલા મિનીમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સના મંત્ર સાથે કામ કરવું પડશે. નવા મંત્રીઓએ વિધાનસભા ચૂંટણી આડે રહેલા એક વર્ષના સમયમાં જ પરફોર્મ કરવું પડશે.ગુરુવારે યોજાયેલી શપથવિધિ બાદ કમલમ ખાતે પહેલીવાર મંત્રી તરીકે પહોંચેલા કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ સંદર્ભે આયોજિત વિવિધ કાર્યક્રમમાં જવા માટે સૂચના આપવામાં આવી હતી. આમ 17મી સપ્ટેમ્બરના મંત્રીઓ કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી કોઈ પ્રધાને અધિકૃત રીતે ચાર્જ સંભાળ્યો નથી. જો કે, હવે 20 સપ્ટેમ્બરથી મંત્રીઓ મુહૂર્ત પ્રમાણે પોતાના મંત્રાલયની ઓફિસમાં કાર્યભાર સંભાળશે. ઉલ્લેખનીય છે કે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગના રાજ્યપ્રધાન મનીષાબેન વકીલે આજે પદભાર સાંભળ્યાના પ્રથમ દિવસે ડો. જીવરાજ મહેતા ભવન (જૂના સચિવાલય) બ્લોક નંબર 20 સ્થિત મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી ખાતે મુલાકાત લીધી હતી. મહિલા અને બાળ વિકાસ કમિશનર વિભાગ સંલગ્ન કચેરીઓના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમણે મહિલા અને બાળ વિકાસ વિભાગને લગતી દરેક યોજનાઓનો લાભ તમામ જરૂરિયાતમંદોને સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનો કર્યાં હતાં.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer