સુરક્ષાનાં કારણે કિવી ટીમનો પાક પ્રવાસ રદ

રાવલપિંડી, તા. 17 : ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમે પ્રથમ વન-ડેના પ્રારંભની ઠીક પહેલાં જ સુરક્ષાના ખતરાને ધ્યાને લઇને પાકિસ્તાનનો વર્તમાન પ્રવાસ અચાનક જ રદ કરી દીધો છે. બન્ને દેશ વચ્ચે આજથી ત્રણ વન-ડે મેચની શ્રેણી શરૂ થવાની હતી. આ પછી લાહોરમાં પાંચ મેચની ટી-20 ઇન્ટરનેશનલ સિરીઝ આયોજિત થઇ હતી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બદનામીથી બચાવ પાકિસ્તાને આ શ્રેણીને બચાવવા છેલ્લે સુધી પ્રયાસ કર્યા હતા. ખુદ પાક. વડાપ્રધાન  ઇમરાનખાને ન્યૂઝીલેન્ડના પીએમ સાથે ફોન કરી કાકલૂદી કરી હતી. પણ ઇમરાન ખાનને દાદ મળી ન હતી. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ વહેલામાં વહેલી તકે પાકિસ્તાન છોડવા માગે છે. હેવાલ અનુસાર આજે રાત્રે જ કિવી ખેલાડી સ્વદેશ જવા રવાના થશે. અફઘાનિસ્તાનમાં તખતાપલટ બાદ તાલિબાનોને થાબડભાણા કરનાર પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ ઘટનાક્રમથી શરમજનક સ્થિતિમાં મુકાઇ જવું પડયું છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે અને પ્રેસ રિલીઝ બહાર પાડીને કહ્યંy છે કે ન્યૂઝીલેન્ડ સરકાર પાકિસ્તાનમાં ખેલાડીઓની સુરક્ષાને લઇને ચિંતિત હતી અને ન્યૂઝીલેન્ડની સુરક્ષા એજન્સીએ આ પ્રવાસ આગળ ન વધારવાની સલાહ આપી હતી. એ પછી અમે પાક. પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો છે. રાવલપિંડીમાં પ્રથમ વન-ડેમાં હુમલાની આશંકા હતી. ન્યૂઝીલેન્ડ પ્લેયર્સ એસો.ના ચીફ વ્હાઇટે પણ કહ્યંy હતું કે અમે આ નિર્ણયનું પૂરું સમર્થન કરીએ છીએ. ખેલાડીઓની સુરક્ષા સૌથી ઉપર છે. આ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી એવું બયાન આવ્યું હતું કે, ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે સુરક્ષા વ્યવસ્થાથી ચિંતા વ્યક્ત કરી હતી. બાદમાં પીસીબીએ આ જાણ પાક. સરકારને કરી હતી. આથી પાક. સરકાર હરકતમાં આવી હતી. પીએમ ઇમરાનખાને જ સીધી દરમિયાનગીરી કરીને ન્યૂઝીલેન્ડના પીએમ સાથે ફોન પર વાત કરી પ્રવાસ ચાલુ રાખવા વિનંતી કરી હતી. જો કે, તેની કોઇ અસર થઇ ન હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer