દાવ ઉંધો પડતાં વિરાટે સુકાન છોડયું

નવી દિલ્હી, તા.17: વિરાટ કોહલી વર્લ્ડ કપ બાદ ટી-20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી ચૂકયો છે. આ માટે તેણે વર્કલોડનું કારણ આપ્યું છે. જો કે હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે વિરાટ કોહલી ઉપસુકાની પદેથી રોહિત શર્માને હટાવવા માંગતો હતો. આ માટે વિરાટે પસંદગીકારો સમક્ષ લીમીટેડ ઓવર્સની ટીમના વાઇસ કેપ્ટન પદેથી રોહિતને હટાવવાની માંગ કરી હતી. કોહલીનું કહેવું હતું કે રોહિત 34 વર્ષનો થઇ ગયો છે. આથી વન ડે ફોર્મેટમાં કેએલ રાહુલને અને ટી-20માં ઋષભ પંતને ઉપકપ્તાન બનાવવા જોઇએ. જો કે કોહલીને આ ફોર્મ્યૂલા પસંદગીકારોને પસંદ પડી ન હતી, પસંદગીકારોને એવું લાગ્યું કે વિરાટ કોહલી વાસ્તવમાં તેનો કોઇ ઉત્તરાધિકારી ઇચ્છતો નથી. એવું પણ બહાર આવ્યું છે કે વિરાટ કોહલીને બધા ખેલાડીઓનું સમર્થન નથી. ખાસ કરીને યુવા ખેલાડીઓને તે મઝધારમાં છોડી દે છે. પીટીઆઇ સાથે વાત કરતા એક પૂર્વ ક્રિકેટરે જણાવ્યું કે વિરાટ સાથે સમસ્યા સંવાદની છે. મહેન્દ્રસિંહ ધોનીનો રૂમ 24 કલાક ખુલ્લો રહેતો અને કોઇ ખેલાડી અંદર જઇ શકતો. તેની સાથે વીડિયો ગેમ્સ રમી શકતો. જરૂર પડયે ક્રિકેટ વિશે પણ ચર્ચા કરી શકતો. બીજી તરફ કોહલી અતડો અતડો રહે છે. મેદાન બહાર કોઇ ખેલાડીને તેનો સંપર્ક કરવો મુશ્કેલ રહે છે. તે ફકત બે-ચાર ખેલાડી સાથે જ હળી-મળીને રહે છે. જો કે આ વિગત પર વિરાટ, રોહિત કે બીસીસીઆઇ તરફથી હજુ સુધી કોઇ સ્પષ્ટતા થઇ નથી. મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા પણ કોહલીના કપ્તાનાની મુદ્દા પર કોઇ ફોડ પાડયો નથી. બોર્ડ અધ્યક્ષ ગાંગુલીએ પણ એટલું જ કહ્યંy છેકે કોહલીનો આ અંગત નિર્ણય છે અને તેનું સન્માન કરીએ છીએ. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer