મુંદરા : હેરોઈનને અલગ પાડવાની પ્રક્રિયામાં એજન્સી ઊંધા માથે

ગાંધીધામ/મુંદરા, તા .17 : મુંદરાની ખાનગી સીએફએસમાં અફઘાનિસ્તાનથી વાયા ઈરાન આવેલા ટેલ્કમ સ્ટોન પાવડરના જથ્થામાંથી હેરોઈન નીકળી પડતાં અને આ નશીલા પદાર્થોનો વિક્રમી જથ્થો હોવાનું જણાતાં એક તરફ દેશભરની સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે તો બીજીબાજુ હેરોઈન અને ટેલ્કમ સ્ટોન પાવડર બંને મિક્સ કરેલા હોવાથી તેને અલગ પાડવામાં ડાયરેકટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (ડી.આર.આઈ.) ઊંધાં માથે થઈ ગઈ છે. સત્તાવાર રીતે હાલમાં બે ટન હેરોઈન સીઝ કરાયું હોવાનું જાણવા મળ્યું છે, જેની કિંમત 140 કરોડ જેવી થવા જાય છે.અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ એક જ બિલ ઓફ એન્ટ્રી તળે બે કન્ટેનર અહીં આવ્યાં હતાં. ડી.આર.આઈ.એ તેને અટકાવીને એક કન્ટેનર ખોલી તપાસ કરતાં નશીલા પદાર્થોની શંકા ગઈ હતી. અગાઉથી બાતમી હોવાથી ફોરેન્સિકને બોલાવાતાં તે હેરોઈન હોવાનું નક્કી થયું હતું. કન્ટેનરની અંદર એક એક ટનની કુલે 18 બેગ (મોટા થેલા) ભરેલી હતી, જેમાંથી બે બેગમાં હેરોઈન નક્કી થતાં આ બંને થેલા સીઝ કરાયા છે. અત્યારે બાકીની 16 બેગ છે, જેમાં ડિકલેર થયેલો પાવડર જણાય છે, તેમાં હેરોઈન મિક્સ હોવાની સંભાવનાથી પાવડર અને ડ્રગ્સ અલગ કરવાની મથામણ જારી છે તેવું સત્તાવાર સૂત્રો કહે છે.બીજી તરફ, તપાસ એજન્સીએ હવે બીજું કન્ટેનર પણ ખોલ્યું છે અને તેમાં રહેલા જથ્થાનો નમૂનો લઈને ફોરેન્સિક તપાસની પ્ર્રક્રિયા આદરી છે. અલબત્ત, તપાસમાં જોડાયેલી વિવિધ એજન્સીઓ આ માલ 3500થી 4000 કરોડનો હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી હેરોઈનનો તમામ જથ્થો પાવડરથી છૂટો પાડીને વજન ના કરાય ત્યાં સુધી સાચી કિંમત આંકવી મુશ્કેલ હોવાનું તપાસનીસ એજન્સીનાં સૂત્રો જણાવી રહ્યા છે.ઉચ્ચ કક્ષાએ એન.આઈ.એ. સહિતની સુરક્ષા એજન્સીઓ દાણચોરીનાં આ વિક્રમી પ્રકરણને અત્યંત ઝીણવટપૂર્વક જોઈ રહી છે અને પોતાના સ્તરે તપાસ પણ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. બીજીબાજુ, મુંદરા હેરોઇન પ્રકરણના પડઘા દિલ્હી સુધી પડયા છે. જવાબદાર સૂત્રો સત્તાવાર કોઇ માહિતી આપતા નથી, તેમ તેમની ભારે ચુપકીદી પાછળનું કારણ પણ સમજાતું નથી. તપાસ કરતી વિવિધ એજન્સીઓ સીધી નવી દિલ્હીમાં બેઠેલા તેમના ઉપરી અધિકારીઓને દિવસ દરમ્યાન વારંવાર રિપોર્ટ કરે છે. ટૂંકમાં એમ કહી શકાય કે તપાસ ભલે મુંદરા મધ્યે ચાલતી હોય, પણ તેની સીધી દેખરેખ દિલ્હી સ્થિત ઉચ્ચ એજન્સીઓ કરી રહી છે.જૂન-2021માં જે કન્ટેનર નીકળી ગયું તે મુંદરા બાદ ક્યાં ક્યાં ગયું હતું તેના તાર જોડવાની મથામણમાં તંત્રની ટીમો લાગી ગઇ છે. સૂત્રો એમ જણાવે છે કે એક યા બીજા કારણો આપીને માત્ર કચ્છમાં જ નોકરી કરતા કર્મચારીઓ થોડો સમય બદલી કરાવીને પોતાનું કાર્ડ જાણે `િરન્યૂ' કરાવી ફરીથી કચ્છમાં આવી જાય છે અને એમનું નેટવર્ક તૂટવા દેતા નથી.હેરોઇનની ઘટનામાં જે રેકર્ડ ઉપર આયાતકાર છે તે જ ખરેખરનો આયાતકાર છે કે કેમ ? પડદા પાછળ કોણ ખેલ પાડી દે છે અને તેના આકા કોણ છે ?ની તપાસનો દોર ભલે સ્થાનિકે થતો હોય, પણ ઘટનાક્રમના વિવિધ ટુકડાઓને જોડીને કયું ને કોનું ચિત્ર ઉપસી આવે છે એ અત્યારે દિલ્હીમાં અને અમુક અંશે અમદાવાદમાં જોવાઇ રહ્યું છે.તપાસ એજન્સીઓને હજુ વધુ ઇન્પુટ મળવાની આશા છે. જો એ માહિતી ખરી ઉતરે તો આવનારા દિવસોમાં વધુ કડાકા ભડાકા થવાની ઘટના બની શકે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer