3.8ના કંપને રાત્રે વાગડ ફોલ્ટને ધ્રુજાવ્યો

ભુજ, તા. 17 : કચ્છની ધરા રાત્રે 3.8ની તીવ્રતાનાં કંપનથી ધ્રૂજી ઊઠતાં ક્ષણિક સમય માટે ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. વાગડ ફોલ્ટમાં સમાવિષ્ટ મોટા ભાગના વિસ્તારમાં આ કંપનની વિશેષ અસર અનુભવાઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરમાંથી મળેલી વિગતો અનુસાર લોકો રાત્રે નિરાંતની પળો માણી રહ્યા હતા ત્યારે 10.25 વાગ્યાના અરસામાં એકાએક ભેદી અવાજો સાથે ધરતી ધ્રૂજી ઊઠી હતી. રિખ્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા ધરાવતા આ કંપનનું કેન્દ્રબિંદુ ભચાઉથી ઉત્તર-પૂર્વ દિશાએ માત્ર 7 કિ.મી. દૂર હોતાં ભચાઉ શહેર ઉપરાંત તાલુકાનાં ગામો ઉપરાંત રાપર અને અંજાર તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં એની અસર વર્તાઇ હોવાનું જાણવા મળ્યું હતું. ધમડકાના અહેવાલ અનુસાર અહીં આંચકાની અનુભૂતિથી લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. કચ્છમાં સમયાંતરે આ પ્રકારનાં કંપનો અનુભવાયા રાખે છે. લગભગ એકાદ માસના ગાળા બાદ જિલ્લામાં ત્રણ કે તેથી વધુની તીવ્રતાનો આંચકો સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થયાનું સત્તાવાર આંકડા બોલી રહ્યા છે. ભૂપંકના બે દાયકા બાદે જારી રહેલો સખડ-ડખડનો દોર સમયાંતરે સંશોધનનો વિષય બનતો રહ્યો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer