તલાટીઓ કહે છે કે, અમારી માંગ સંતોષો, નહિતર આંદોલન

મોટી વિરાણી, તા. 17 : ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટી/મંત્રીઓના 10 જેટલા મુદ્દા ત્વરિત ઉકેલવાની માંગ સાથેનો આવેદનપત્ર નખત્રાણા તાલુકા તલાટી મંડળ દ્વારા સંગઠનના પ્રમુખ એસ. આર. ગોસ્વામીની આગેવાની હેઠળ તલાટી પ્રતિનિધિ મંડળે મામલતદારને અપાયું હતું.રાજ્ય તલાટી મંડળ દ્વારા તલાટી/મંત્રીઓની પડતર માગણીનો ઉકેલ લાવવા તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં સમસ્યા ન ઉકેલાતાં રાજ્ય કક્ષાના સંગઠન દ્વારા તાલુકા કક્ષાના તલાટી મંડળોને આપવામાં આવેલા આદેશ મુજબ તાલુકા મથકના સરકારી અધિકારીઓને પ્રશ્નો ઉકેલવાની માંગ સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. ઉચ્ચતર પગાર ધોરણે તલાટીઓને પગાર મળવો, જિલ્લા ફેરબદલી, સને 2004માં ભરતી કરાયેલા તલાટીઓને પ્રથમ પાંચ વર્ષની નોકરીને સળંગ ગણવા, ફરજ મોકૂફીને પ્રતિનિયુક્તિનો સમયગાળો નિયમ અનુસાર અમલ કરવો સહિત નાના-મોટા 10 મુદ્દાના પડતર પ્રશ્નો સત્વરે ઉકેલવા માંગ કરાઇ હતી. અન્યથા પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો સંગઠન દ્વારા વિરોધ સાથે તબક્કાવાર કાર્યક્રમો યોજવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં તલાટી રમેશભાઇ પી. માલી, હિંમતલાલ પંડયા, ચિરાગ પ્રજાપતિ, સંગીતાબેન ઠક્કર, પંકજ રાવલ, નવીન મારૂ, ગીતાબેન પરમાર, ચંદ્રિકાબેન ગરોડા, સંજય રવિભાણ, હિતેષ પટેલ વગેરે જોડાયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer