નરાનગર-કૂવાપદ્ધરની શાળા મર્જ કરવા સામે વિરોધ

નરાનગર (તા. અબડાસા), તા. 17 : અબડાસા તાલુકાના કૂવાપદ્ધર તથા નરાનગરની પ્રાથમિક શાળાઓને મર્જ કરતાં ધો. 6થી 7ના વિદ્યાર્થીઓની સમસ્યા અંગે ગ્રામજનોએ વાંધો ઉઠાવ્યો હતો. ગ્રામજનોએ આ નિર્ણય સામે નારાજ થઇને જણાવ્યું હતું કે, બે ગામમાં અગાઉથી ધો. 1થી 7 સુધીનો અભ્યાસ ચાલુમાં હતો. ધો. 5, 6 અને 7માં વિદ્યાર્થીઓની 2થી 3ની સંખ્યા હોય તો પણ ગામની શાળામાં ભણી શકે. અન્ય શાળાઓમાં મોકલવામાં આવતા ન હતા, પરંતુ હાલમાં રાજ્ય સરકારના શિક્ષણ ખાતાના શિક્ષણ વિભાગ તરફથી નવા નિયમો લાગુ કરી ધો. 1થી 5 સુધીની સંખ્યા 15 સુધી મર્યાદિત કરી છે. તો જ શાળા ચાલુ રાખી શકાય અથવા 15થી સંખ્યા ઓછી હોય તો શાળા બંધ કરીને આજુબાજુની શાળાઓમાં મોકલવામાં આવે છે અને ધો. 6 અને 7ની જે સંખ્યાનો માપદંડ?નક્કી કર્યો તેથી ઓછી સંખ્યા હોય તો તેવા ધોરણો બંધ કરી અન્ય શાળાઓમાં મોકલવામાં આવે છે. ધો. 1થી 7 સુધીના બાળકોની વય 10થી 12 વર્ષની હોય છે, જેથી બાળકો ગામ મૂકી બહારગામ જઇ? શકતા નથી. નાની વયનાં બાળકોના વાલીઓ માંડ? માંડ સ્થાનિક શાળામાં ભણવા મોકલતા હોય છે ત્યારે સરકાર નવા નિયમો બહાર પાડી સ્થાનિક શાળાનો વિકાસ અટકાવી બાળકોનું ભવિષ્ય બગાડી રહી છે. શાળામાં ભણતા છોકરા અને છોકરીઓના વાલીઓની આર્થિક પરિસ્થિતિ નબળી પણ હોય, જેથી બહારગામ ભણવાનું માંડી વાળે છે. સરકાર શિક્ષકોની ઘટ, નાણાકીય વિચાર કરી, શાળાઓને મર્જ કરી ભાવિ પેઢીનું નુકસાન કરી રહી છે તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો. હાલમાં અબડાસા તાલુકાના નરાનગર અને કૂવાપદ્ધર પ્રા. શાળાના કન્યા અને કુમારોને ધો. 6 અને 7 બંધ કરી શાળાને મર્જ કરી બાંડિયા શાળામાં મોકલવામાં આવી રહ્યા છે, જે ગામો 7થી 8 કિ.મી. દૂર છે. ખાનગી વાહનોનો સમય નક્કી ન હોય, પ્રવાસીઓ પર આધારિત હોય છે. આમાં ક્યાં છોકરા ભણી શકે છે, તેવું તેઓએ જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer