કોરોના સામે રક્ષણ મેળવવા રસી લઇ ભયમુક્ત થવા નખત્રાણામાં હાકલ

કોરોના સામે રક્ષણ મેળવવા રસી લઇ ભયમુક્ત થવા નખત્રાણામાં હાકલ
નખત્રાણા, તા. 17 : તાલુકા ભાજપ પરિવાર તેમજ નખત્રાણા લોહાણા મહાજન દ્વારા લોકપ્રિય વડાપ્રધાન તેમજ ગુજરાતનું ગૌરવ નરેન્દ્રભાઇ મોદીના 71મા જન્મદિવસ પ્રસંગે વિવિધ સેવાપ્રવૃત્તિઓ સાથે મહા રસીકરણ ઝુંબેશનું અહીંની લોહાણા મહાજનવાડી ખાતે આયોજન કરાયું હતું. દીપ પ્રાગટ્ય કરતાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું કે, કોરોના સામે લડવા રસી લેવી ખૂબ જ જરૂરી છે. સૌ કોઇને રસીકરણ કરાવી ભય મુક્ત થવા હાકલ કરી હતી. આ પ્રસંગે લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઇ પલણે વડાપ્રધાન મોદીજીએ વિશ્વકક્ષાએ નામના મેળવી છે ત્યારે તેમના જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવવા વધુ લોકલથી વિકાસ કામો દીન દુ:ખિયાનાં સેવાકીય કાર્યની સાથે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન જેવા કાર્યક્રમો કરવા પર ભાર મૂકયો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ જયસુખભાઇ પટેલે દેશભરમાં ચાલતી પ્રવૃત્તિઓની વિગતો આપી હતી. તાલુકા ભાજપના પ્રમુખ દિલીપભાઇ નરસીંગાણીએ તાલુકા ભાજપ દ્વારા થતી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. રસીકરણ કેમ્પમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંધ્યાબેન પલણ, ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, તાલુકા હેલ્થ ઓફિસર મનોજભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. રસી લેતી વ્યક્તિઓ માટે ચા-બિસ્કિટની વ્યવસ્થા કરાઇ હતી. સિનિયર મીડવાઇફ ત્રિવેણીબેન જોશી, ઉર્મિલાબેન મહેશ્વરીનાં માર્ગદર્શન હેઠળ સાંજ સુધી 250 જેટલા લોકોને રસીકરણ કરાયું હતું. તો ભક્તિબેન જોશી, પ્રાગજીભાઇ અનમ, અમૃતલાલ ગણાત્રા, જગદીશ પલણ, શિવા પલણ, મેહુલ દાવડા સહયેગી રહ્યા હતા. સંચાલન અને આભારવિધિ મહામંત્રી નીતિનભાઇ ઠક્કરે કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer