પૂર્વ કચ્છમાં બાયોડીઝલના વેપલા સામે 13 એફ.આઇ.આર.

પૂર્વ કચ્છમાં બાયોડીઝલના વેપલા સામે 13 એફ.આઇ.આર.
ગાંધીધામ, તા. 28 : પૂર્વ કચ્છમાં છેલ્લા લાંબા સમયથી ગેરકાયદેસર રીતે બેઝ ઓઇલ, બાયોડીઝલના બેનંબરી ધંધા ફાટીને ધુમાડે ગયા હતા. આ અંગે અનેક વખત અખબારોમાં અહેવાલ બાદ પણ ખાસ કોઇ કાર્યવાહી થતી નહોતી. દરમ્યાન દિલ્હીથી ગાંધીનગર અને ગાંધીનગર કક્ષાએથી આદેશ આવ્યા બાદ તંત્રએ આળસ મરડી હતી. પૂર્વ કચ્છના જુદા જુદા પોલીસ મથકોએ 20 શખ્સ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે બેઝ?ઓઇલ, બાયોડીઝલના સંગ્રહ, વેચાણ અને સુરક્ષાના સાધનો તથા સરકાર પાસેથી લેવાના થતા પરવાના બાબતે ગુના નોંધાયા હતા. ગઇકાલે આવા ચાર ગુના નોંધાયા બાદ આજે વધુ 13 ગુના ચોપડે ચડતાં બે દિવસમાં 17 ગુના પોલીસના ચોપડે ચડયા હતા. ગાંધીધામ તાલુકાના પડાણાથી ભીમાસર જતા માર્ગે મેપલ કંપનીની સામે આવેલા વાડામાં ગત તા. 9/7ના પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં ઊભેલા ટેન્કર નંબર જીજે-12-એક્સ- 0989માં 8000થી 10,000 લિટર બાયોડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રિક સાધનો આ ટેન્કરના ટાંકામાં લગાવવામાં આવ્યા હતા. આ જગ્યાએ સુરક્ષાના સાધનો ન રાખી, માનવજીવનને જોખમમાં મૂકી, હવા દૂષિત થાય તેવું કૃત્ય કરી તથા સરકાર પાસેથી મેળવવાના પરવાના, ના વાંધા પ્રમાણપત્રો મેળવાયા નહોતા. અહીં બાયોડીઝલ વેચતા સત્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ ઉપર સૂરજબારી ટોલપ્લાઝા નજીક આવેલી હોટેલ સાગર આઇ માતાની બાજુમાં ગત તા. 5/7ના કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રકરણ?અંગે ગોંડલ, રાજકોટના સોહિલ હારૂન દોઢિયા નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. અહીં ટેન્કરના ટાંકામાં નોઝલ, વીજ મોટર બેસાડવામાં આવી હતી. આ ટાંકામાં રૂા. 2,80,000નો 4000 લિટર બાયોડીઝલનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. અહીંથી ટેન્કર, મોટર, બાયોડીઝલ, નોઝલ વગેરે મળીને કુલ રૂા. 3,97,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. વધુ એક કાર્યવાહી ભચાઉ તાલુકાના ખોડાસર ગામના પાટિયા નજીક આવેલી બિકાનેર હોટેલના પ્રાંગણમાં કરવામાં આવી હતી. ગત તા. 3/7ના બપોરે પોલીસ અહીં પહોંચી ત્યારે હોટેલના પ્રાંગણમાંથી અંડરગ્રાઉન્ડ લોખંડના બે ટાંકા મળી આવ્યા હતા, જેમાં રૂા. 2,27,500નું 3500 લિટર બાયોડીઝલ ભરવામાં આવ્યું હતું. આ ટાંકાઓમાં નોઝલ, મીટર વગેરે સાધનો લગાડવામાં આવ્યા હતા બાયોડીઝલનો  ગેરકાયદેસર રીતે ધંધો કરનારા તળાજા ભાવનગરના કુલદીપસિંહ દિગ્વિજયસિંહ  ગોહિલ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. આ માર્ગેથી પસાર થનારા વાહનચાલકોને પેટ્રોલપંપની જેમ બાયોડીઝલ ભરી આપવામાં આવતું હતું. સામખિયાળી-રાધનપુર ધોરીમાર્ગ, શિવલખા ગામની સીમ તથા ખોડાસર ગામના પાટિયા નજીક રાજબાઇ માતાના મંદિર પાસે પોલીસે કાર્યવાહી કરી હતી. આ મંદિરના પ્રાંગણમાં ટેન્કર ઊભું રાખી તેમાં રૂા. ત્રણ લાખનું 5000 લિટર બાયોડીઝલ સંગ્રહ કરવામાં આવ્યું હતું. આ ટેન્કર નંબર જીજે-12-એટી- 5587માં નોઝલ, મોટર, મીટર વગેરે સાધનો બેસાડવામાં આવ્યા હતા. એ પેટ્રોલિયમ પદાર્થ જ્વલનશીલ હોવાનું જાણવા છતાં સુરક્ષાના સાધનો ન વસાવી, સરકારી પરવાના મેળવાયા નહોતા તેમજ અહીંથી અવરજવર કરતા વાહનચાલકોને ગેરકાયદેસર રીતે આ પ્રવાહી ભરી આપવામાં આવતું હતું. આ અંગે નવા કટારિયાના યુવરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા તથા રતનાલના નીલેશ મકનજી કાનજી માતા (આહીર) વિરુદ્ધ લાકડિયા પોલીસે ગુનો નોંધ્યો હતો. અંજાર તાલુકાના માથકથી નગાવલાડિયા જતા માર્ગ પર સ્ટેલિયમ ફાર્મ પાસે પણ પોલીસે ગત તા. 16/5ના કાર્યવાહી કરી હતી. પોલીસે કરેલી આ કાર્યવાહી અંગે નગાવલાડિયાના શંભુ શામજી કાનગડ, રમેશ સધા કાનગડ અને મુકેશ સધા કાનગડ વિરુદ્ધ પોલીસે ગઇકાલે ફરિયાદ નોંધાવી હતી. સ્ટેલિયમ ફાર્મ પાસે શંભુ કાનગડ ટેન્કર નંબર જીજે- 12 -એવાય-9805વાળું લઇને ઊભો હતો, તેવામાં અચાનક પોલીસ આવી હતી. આ ટેન્કરમાં રહેલું 24 ટન કિંમત રૂા. 12 લાખનું બેઝ ઓઇલ રમેશ અને મુકેશનું હોવાનું બહાર આવ્યું હતું. ટેન્કરમાં સીલ ન લગાડી, સુરક્ષાના સાધનો ન વસાવી, સરકારની પરવાનગી વગર બેઝ ઓઇલનો ધંધો કરનારા આ ત્રણેય શખ્સ વિરુદ્ધ પોલીસે જુદી જુદી કલમ તળે ગુનો નોંધ્યો હતો.અંજારના કળશ સર્કલ પાસે ગત તા. 9/7ના પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમ્યાન ભચાઉ?બાજુથી આવતા ટેન્કર નંબર જીજે-12-એડબલ્યુ- 8322ને રોકવામાં આવ્યું હતું. ચાલક અમિતકુમાર રામયજ્ઞ યાદવની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. તેણે સેલવાસથી બેઝ ઓઇલ 24 ટન રૂા. 18,50,000નું ભર્યું હતું. આ તેલ માધાપરના અંકિત કોલ કેરિયરના અંકિત રમેશચંદ્ર ઠક્કરને પહોંચાડવાનું હતું. પોલીસે આ પ્રકરણ અંગે મામલતદારને જાણ કરતાં તેમણે તેલના નમૂના લઇ પૃથકકરણ માટે મોકલી આપ્યા હતા તથા આ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ બંને શખ્સ વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અંજાર પોલીસે વધુ એક કાર્યવાહી વરસાણા સીમ સર્વે નંબર 60માં આવેલા ગોદામ નંબર ચારમાં કરી હતી. આ ગોદામમાં ટેન્કર નંબર જીજે- 12- એઆઇ- 4944નો ટાંકો મૂકવામાં આવ્યો હતો, તેમાં 1000થી 1200 લિટર બેઝ ઓઇલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો તથા વાહનોમાં પ્રવાહી ભરી આપવા માટે ટાંકામાં વીજ કાંટો, નોઝલ વગેરે લગાવવામાં આવ્યા હતા. આ જગ્યાએથી રૂા. 6,00,400નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. અહીં સુરક્ષાના સાધનો રાખ્યા વગર, લોકોના જીવ જોખમમાં મૂકી સરકારી પરવાના ન મેળવનારા સુનીલ દેવીદયાલ ગોયલ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી. રાપર તાલુકાના બામણસર ગામના પાટિયા નજીક શંકાસ્પદ રીતે ઊભેલા ટેન્કર નંબર જીજે- 12-એટી- 7782ની પોલીસે તલાશી લીધી હતી. આ વાહનમાંથી રૂા. 12,99,805નું 19,997 લિટર બેઝ ઓઇલ મળી આવ્યું હતું. વાહનના ચાલક લલિયાણાના હરિ રાણા ગાગલની પોલીસે પૂછપરછ હાથ?ધરી હતી, પરંતુ તેણે આ માલ ક્યાંથી અને કોના કહેવાથી ભર્યો હતો તથા કોને આપવાનો હતો તેવું કાંઇ જણાવ્યું નહોતું. આ શખ્સ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી ખરેખર આ માલ કોનો છે તેની તપાસ હાથ ધરી છે. આડેસરથી રાપર જવાના રસ્તે સણવા ચોકડી પાસે આવેલા એક વાડામાં શંકાસ્પદ ટેન્કર ઊભેલું હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં પહોંચી ગઇ હતી. અહીં ઊભેલા ટેન્કર નંબર જીજે- 2-વાય- 7557ની તલાશી લેવાતાં તેમાંથી રૂા. 51,800નું 797 લિટર સફેદ રંગનું જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું. સરકારના ધારાધોરણ, પરવાના કે ના વાંધા પ્રમાણપત્ર મેળવ્યા વગર અહીં ગેરકાયદેસર રીતે ધંધો કરનારા આડેસરના કિરીટ ઇશ્વર ડોડિયા વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. ભચાઉના નંદગામથી નાની ચીરઇ તરફ?જતા સર્વિસ રોડ પર હોટેલ શેરેપંજાબ પાછળ પથ્થરો ઉપર ટેન્કરનો ટાંકો મૂકી પેટ્રોલિયમ પદાર્થનો વેપલો કરાતો હતો. બાતમીના આધારે ગત તા. 10/7ના પોલીસ અહીં પહોંચી ગઇ હતી અને અહીંથી રૂા. 14,400નું 200 લિટર બાયોડીઝલ, સાધનો, ટાંકો વગેરે મળીને કુલ રૂા. 84,400નો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. આ બનાવ અંગે રાપરના રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા નામના શખ્સ વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી હતી.આ જ માર્ગ ઉપર કિરણ પેટ્રોલપંપ પાસે મીત રોડવેઝના વર્કશોપ પાછળ વાડામાં પોલીસે કાર્યવાહી કરી હતી જેમાં ગઇકાલે ગળપાદરના ભગીરથસિંહ મયૂરસિંહ જાડેજા નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. અહીં લોખંડના સ્ટેન્ડ ઉપર ટેન્કરનો ટાંકો મૂકી તેમાં નોઝલ વગેરે સાધનો ફિટ?કરી ધંધો કરાતો હતો. આ જગ્યાએથી રૂા. 2,48,000નું 4000 લિટર બાયોડીઝલ, સાધનો વગેરે મળીને કુલ રૂા. 4,13,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ભચાઉના લુણવા ગામની સીમમાં વાઘેશ્વરી ટ્રાન્સપોર્ટના વાડામાં ગત તા. 26/11/2020ના કાર્યવાહી કરવામાં આવી હતી. આ વાડામાં રહેલા ટેન્કર નંબર જીજે- 12 -એટી- 6149 તથા ટ્રેક્ટર નંબર જીજે-12-સીજી-9146ના ટાંકામાં પેટ્રોલિયમ પદાર્થ રાખવામાં આવ્યો હતો. આ જગ્યાએથી ટેન્કર,? ટ્રેક્ટર, શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ, પ્લાસ્ટિકના બે બેરલ વગેરે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં લુણવાના અરજણ ખેંગાર છાંગા અને ગાંધીધામના જુગલકિશોર જોશી વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. વધુ એક કાર્યવાહી લુણવાથી ચોપડવા જતા માર્ગે લુણવા નજીક કરવામાં આવી હતી. આ માર્ગ પરથી પસાર થનારા ટેન્કર નંબર જીજે- 6-ટીટી-8054ને પોલીસે રોકાવ્યું હતું. આ વાહનમાં રૂા. 2,50,000નું 5000 લિટર બેઝ ઓઇલ મળી આવ્યું હતું. વાહનના ચાલક સતાપરના સામત રતા માતા?(આહીર) પાસેથી આ માલના આધાર-પુરાવા મગાતાં તે આપી શક્યો નહોતો. પોતાની પાસે સરકારી કોઇ પરવાના કે સુરક્ષાના સાધનો ન હોવા છતાં આ પેટ્રોલિયમ પદાર્થનો સંગ્રહ કરનારા આ શખ્સ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. આ માલ કોનો છે અને ક્યાં જઇ રહ્યો હતો તેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. સરકારી આદેશ બાદ પોલીસ સફાળી જાગી છે અને બેનંબરી ધંધો કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે તેમ છતાં ગઇકાલના ચાર તથા આજના 13 એમ પોલીસ ચોપડે ચડેલા 17 ગુના પૈકી એકેય પ્રકરણમાં હજુ એકેય આરોપીની અટક કરવામાં આવી નથી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer