આરટીઓમાં ફરી સ્કવોડની તપાસ

આરટીઓમાં ફરી સ્કવોડની તપાસ
ભુજ, તા. 28 : અવારનવાર તપાસટીમોનાં આગમનથી ચર્ચામાં રહેતી અહીંની પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ)માં આજે ફરી સ્કવોડની તપાસટીમ ઉતરી પડી હતી. મળતી વિગત મુજબ મહેસાણાના અધિકારીઓની આ ટુકડીએ ભારે ચર્ચાયેલા એવા હેઝાર્ડસ લાયસન્સ સહિતના મુદ્દે કચેરીનો ફેરો ખાધો હતો અને કેટલાક મહત્ત્વના દસ્તાવેજો ખંગાળીને અંકે કર્યા હતા. આ સ્કવોડ ગાંધીધામ ખાતે ચાલતાં હેઝાર્ડસ તાલીમ કેન્દ્રની પણ તપાસ કરશે એવું જાણવા મળ્યું છે.મળતી વિગતો અનુસાર, આજે સવારે 10.30 કલાકે જ આ ટુકડી બે ગાડીમાં કચેરીએ આવી હતી અને તેમનાં આગમનની સાથે જ ફરી એક વખત તમામ એજન્ટ અને તેમના માણસોને કચેરીમાં પ્રવેશતા અટકાવવામાં આવતાં સૌની નજર આ સ્કવોડની કામગીરી પર મંડાઈ હતી.એજન્ટોને બહાર કઢાતાં કચેરીમાં માત્ર અરજદારોની જ હાજરીને કારણે કચેરી પરિસર ફરી સૂનું બન્યું હતું.બિનસત્તાવાર, પરંતુ આધારભૂત સૂત્રો અનુસાર સ્કવોડે હેઝાર્ડસ લાયસન્સ ઉપરાંત બોગસ લાયસન્સ, ઝેરોક્સ પરથી કાઢવામાં આવતાં લાયસન્સના મામલે તેમજ ચકચારી બનેલા મહિલા અધિકારીને કનડગત મામલે પણ તપાસ કરી હતી. જો કે, સત્તાવાર રીતે સ્કવોડે માત્ર હેઝાર્ડસ લાયસન્સના મામલે જ તપાસ કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું.દરમ્યાન, જાણકારોએ ધ્યાન દોર્યું હતું કે આ અગાઉ પણ હેઝાર્ડસ લાયસન્સના મામલે તપાસ ટુકડીઓ કચેરીનો ફેરો ખાઈ ગઈ છે, ત્યારે આ વખતની તપાસમાં કોઈ નક્કર વિગતો સામે આવે અને પ્રકરણમાં કોઈ પગલાં ભરાય તો જ કાંઈક નવાજૂની થાય તેવી સંભાવના છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer