નખત્રાણાના વથાણ ચોક સફાઈ નહીં થાય તો રોગચાળાનું એપી સેન્ટર બનશે

નખત્રાણાના વથાણ ચોક સફાઈ નહીં થાય તો રોગચાળાનું એપી સેન્ટર બનશે
નખત્રાણા, તા.28 : આ નગરનું હૃદય એટલે વથાણ ચોક. લોકોની વાહનોની અવર-જવરથી ધમધમતા આ હાઈવે પર વથાણમાં એક બાજુમાં અનેક ખાણી-પીણી નાસ્તાની લારીઓ ઉભે છે. સવારથી સાંજ સુધી નાસ્તો કરવા માટે લોકો ઉમટે છે પરંતુ આ વથાણમાં કેબિનો રેંકડીઓ અને દુકાનો વચ્ચેથી નીકળતો કાચો માર્ગ પાણી ભરાવાના કારણે (વરસાદી) કાદવ-કીચડ-ગંદકીના કારણે અહીંથી પસાર થતા તેમજ નાસ્તાના શોખીનો માટે ભારે પરેશાની થાય છે. વથાણમાં ઉભતી નાસ્તા-ખાણી-પીણી રેંકડીઓ દ્વારા થતો કચરો, ગંદકી તેમજ વરસાદી પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે પાણીભર્યું રહે છે. એક તો કાયો-માટીનો માર્ગ તેમજ પાણીના કારણે માખી મચ્છર સાથે ગંદકી કાદવ-કીચડ સાથે દુર્ગંધ ફેલાય છે જેના કારણે પાસે દુકાનો ધરાવતા વેપારીઓને પરેશાની થાય છે. જેની સીધી અસર વેપાર ધંધા પર થાય છે. અહીં ગ્રામ પંચાયત દ્વારા સફાઈ પણ નિયમિત થતી નથી. તેમજ ખાણી-પીણીની એઠવાડના કારણે સમસ્યા વધુ વકરે છે જેથી આરોગ્યને પણ નુકશાનકર્તા છે. આ અંગે આ વિસ્તારના રાજેન્દ્રભાઈ જોષીએ બળાપો કાઢતાં કહ્યું હતું કે, વારંવાર ગ્રામ પંચાયત પાસે રજૂઆત કરવા છતાં દાદ મળતી નથી. માટે ગ્રામ પંચાયત દ્વારા અહીં સાફ-સફાઈ સાથે ગંદકી કરતા ધંધાર્થીઓને દંડ સાથે તાકીદ કરવી જોઈએ તેવી માંગણી સાથે માર્ગ પર મોરમ પાથરવી જોઈએ. (હેવાલ-તસવીર : અશ્વિન જેઠી) 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer