બે કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કારની જાહેરાત

બે કચ્છી સર્જકને ગૌરવ પુરસ્કારની જાહેરાત
ભુજ/ગાંધીનગર, તા. 28 : કચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કચ્છના બે સર્જકોને કચ્છી સાહિત્ય ગૌરવ પુરસ્કાર જાહેર કરાયા છે. કચ્છી ભાષાના સંવર્ધન માટે સર્જન કરવા બદલ અપાતા આ સન્માનમાં 2019 માટે કાનજી મહેશ્વરી `િરખિયા' અને વર્ષ 2020 માટે ડો. રમેશ ભટ્ટ `રશ્મિ'નો સમાવેશ થાય છે. તેવું અકાદમીના મહામાત્ર ડો. હિંમત ભાલોડીયાએ જણાવ્યું હતું. સાહિત્યકાર કાનજી મહેશ્વરી 23મી માર્ચ, 1940માં જન્મ્યા છે. માત્ર 19 વર્ષની વયે રોજગાર મેળવવા ગાંધીધામમાં 1955માં આવ્યા. માવજીભાઇ સાવલા અને સંત ધનજી બાપુના સાંનિધ્યમાં તેમને સાહિત્ય અને આધ્યાત્મિકતાનો રંગ લાગ્યો. ઇતિહાસ શોધ-સંશોધનના ખેડાણમાં ગુજરાત ઇતિહાસ પરિષદના અધિવેશનમાં 2008માં સ્પર્ધાત્મક નિબંધમાં સુવર્ણચંદ્રક અને 2014માં રૌપ્યચંદ્રક મેળવ્યો હતો. કચ્છના સાહિત્યના ત્રણ પુસ્તકો 1) હનુમાન કથા, 2) મહાભારત જા પાત્ર અને 3) ટૂંકી વાર્તાઓ લાગણીના નામે પ્રકાશિત થયા છે. તારામતી વિશનજી ગાલા સંસ્થા દ્વારા કચ્છી સાહિત્યના આજીવન પ્રદાન બદલ સન્માનિત થયા છે. અબડાસાના વીર ઓરસિયા મેઘવાળની શૌર્યગાથાનું પુસ્તક અને પાટજ્યોત પરંપરાના કંઠય સાહિત્યને પુસ્તકદેહ આપ્યો છે. 60 વર્ષીય કચ્છી સાહિત્યકાર ડો. રમેશ કાંતિલાલ ભટ્ટ `રશ્મિ' મૂળ નખત્રાણા તાલુકાના ઘડાણીના વતની છે. તેમણે ગુજરાતી વિષય સાથે એમ.એ., પીએચ.ડી. કર્યું છે. `રશ્મિ'નું ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનેરું પ્રદાન છે. આઠ શૈક્ષણિક પુસ્તક, બે વિચારપ્રેરક પુસ્તકો, ત્રણ આધ્યાત્મિક પ્રકાશનો જ્યારે કચ્છી સાહિત્યમાં કુલ્લ 11 પુસ્તકો અને કટાર લેખનનું ખેડાણ છે. કચ્છમિત્રની પૂર્તિમાં પણ તેમની રચનાઓ પ્રસિદ્ધ થતી રહી છે. તેઓ કચ્છી સાહિત્ય અકાદમીના મુખપત્ર `ચીંગાર'ના આદ્યસ્થાપક રહી ચૂક્યા છે. વ્યવસાયે શિક્ષક એવા ડો. રમેશભાઇને 2005માં રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સહિત અનેક એવોર્ડ મળ્યા છે, તો કચ્છી સાહિત્ય માટે પણ અનેક એવોર્ડ પણ મળ્યા છે, જેમાં કચ્છી વાર્તા સંગ્રહ `લંભ જો ટાંઢો'ને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ મનુભાઇ પંચોલીના હસ્તે મળવા સહિત અનેક માન-અકરામ મળ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer