ભગવદ્ ગીતા - સંપૂર્ણ હનુમાનજી પુસ્તકને મળ્યો કંઠ

ભગવદ્ ગીતા - સંપૂર્ણ હનુમાનજી પુસ્તકને મળ્યો કંઠ
ભુજ, તા. 28 : ટેકનોલોજીની હરણફાળને પગલે હવે તમામ મુશ્કેલીઓનો હલ આંગળીનાં ટેરવે જાણી શકાય છે, ત્યારે મનુષ્યજીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ છે તેવી શ્રીમદ્ ભગવદ્ ગીતા તેમજ સંપૂર્ણ હનુમાનજી પુસ્તક પણ હવે ડિજિટલ વર્ઝનમાં ઉપલબ્ધ બન્યું છે. એમ કહો કે, અત્યાર સુધી વંચાતી ભગવદ્ ગીતા હવે ખાસ પ્રકારનાં સુદર્શન ચક્રનાં બીબાંમાં તૈયાર થયેલાં યંત્ર મારફતે સાંભળી પણ શકાય છે. આ અંગે માહિતી આપવા ભુજ ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતાં સી.આર.પી.એફ.ના નિવૃત્ત અધિકારી અને જામનગર જિલ્લાનાં વલ્લભપૂરના રહેવાસી લીલાધર ભાલારાએ જણાવ્યું કે, ભગવદ્ ગીતા વિશ્વનું પ્રથમ ડિજિટલ પુસ્તક છે, જેનું શ્રીશ્રી રવિશંકરના હસ્તે નોયડામાં વિમોચન થયું હતું. ડિજિટલ ગીતાજી પુસ્તક પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું કે, 11 ભાષામાં અને અલગ-અલગ અવાજમાં તૈયાર કરાયેલાં પુસ્તકનાં કોઈપણ પાનાં પર ચિત્ર, સિમ્બોલ કે શ્લોક પર ખાસ યંત્ર મૂકતાં જ તે અવાજમાં પરિવર્તિત થઈ જાય છે. અહીં ખાસ નોંધપાત્ર છે કે, આ પુસ્તકમાં બ્રેઈલ લિપિનો પણ સમાવેશ કરાયો છે તેમજ વિવિધ ભજન, આરતીઓ પણ સમાવાઈ છે. હનુમાનજીના જન્મથી લઈ તમામ બાબતો સમાવતું પુસ્તક નવ ભાષામાં તૈયાર કરાયું છે. તો, બાળકો માટે ખાસ તૈયાર કરાયેલાં પુસ્તકમાં અપાયેલાં ચિત્રો મારફતે પણ હનુમાનજીનાં જીવન સાથે વણાયેલી બાબતો સાંભળી શકાય છે. આ પુસ્તકને સાંભળવા ગદાનાં બીબાંમાં યંત્ર તૈયાર કરાયું છે. દિલ્હીમાં તૈયાર થયેલાં આ બન્ને ડિજિટલ પુસ્તકોના બે-અઢી વર્ષથી પ્રચાર-પ્રસાર શરૂ કરનારા શ્રી ભાલારા અત્યાર સુધી પાંચ હજાર જગ્યાએ ડેમો આપ્યો છે અને 10 કરોડ લોકો સુધી આ ધર્મમય પુસ્તકની માહિતી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી. પ્રાંરભે સંઘના મોવડી દિલીપભાઈ દેશમુખે શ્રી ભાલારાનો પરિચય આપી જણાવ્યું કે, ટેકનોલોજીની ક્રાંતિને પગલે આજે આપણી ઈચ્છા પ્રમાણે પુસ્તક આપણી સાથે વાત પણ કરે છે. આ અવસરે ડો. પી.બી. ઠુમ્મર મંચસ્થ તેમજ નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, રાહુલ ગોર, તાપસ શાહ, દિવ્યરાજસિંહ જાડેજા વિ. ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા સાત્ત્વિકદાન ગઢવીએ સંભાળી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer