સ્થાનિકોને રોજગારી મળે તેવું આયોજન જરૂરી

સ્થાનિકોને રોજગારી મળે તેવું આયોજન જરૂરી
ચોબારી (તા. ભચાઉ), તા. 28 : ધોળાવીરા સાઇટના ઉત્ખનનની શરૂઆત 1989માં કરવામાં આવી ત્યારથી માંડીને આજ દિવસ સુધી આ સાઇટના એક-એક પથ્થરને ઓળખતા હોય તેવી ભૂમિના ભોમિયા જ્યારે આ સાઇટને વર્લ્ડ હેરિટેજ તરીકે સ્થાન મળે ત્યારે પોતાની  ખુશી વ્યકત કર્યા વિના કેમ રહી શકે ?આ ઉત્ખનન શરૂ થયાથી આજ સુધી પોતે અનેક અધિકારીઓ, સંશોધકો, વૈજ્ઞાનિકો વિ.ના જ્ઞાનની સાથે પોતાના અનુભવો પણ જે લોકોમાં ઉતરેલી હોય તે આ ભૂમિને પ્રેમ કરે તે સ્વાભાવિક છે. આ સાઇટને જોવા આવનારાઓ માટે  ભોમિયાની ભૂમિકા નિભાવતા અને એ વરસોથી આર્કિયોલોજી વિષયના અનુભવી બની ચૂકેલા એવા જેમલભાઇ, રવજીભાઇ અને રામાકાકા આજેય આ સાઇટ જોવા આવનારને માહિતી પૂરી પાડી સંતોષ વ્યકત કરે છે. આ અંગે  સાત ચોપડી ભણેલા જેમલભાઇ કહે છે કે, દુનિયાભરની અનેક હસ્તીઓ અહીં આવી ને ગાઇ નામ કોને યાદ રહે ? પણ બિસ્ટ સાહેબે સાહેબે અમને જે જ્ઞાન આપ્યું તે અમને લોકોની સાથે વાગોળીએ છીએ. ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતાં ખૂબજ રાજીપો થયો, હવે અમારા વિસ્તારનો વિકાસ થશે. એવો ભરોસો બેઠો છે. વરસોથી અહીં  ડેલીવેજીસ તરીકે અમો તો કામ કરીએ છીએ, હવે સરકાર સામે જોયે તો સારું. એવી વાતમાં સૂર પુરાવતા રવજીભાઇ કહે છે અમારે મન ધોળાવીરા જ રોજી ને ખેતી સમજો. એના પર નિર્ભર છીએ. દેશ-વિદેશમાંથી આવતા અનેક લોકોને  કોઇપણ ભાષામાં તેઓ સમજાવવાનું  સામર્થ્ય ધરાવે છે.  કડકડાટ રીતે બોલી જતા જતા ધોળાવીરાની વિરાસત વિષય પર જાણે કે કોઇ પીએચ.ડી. કરેલી વ્યકિતને પણ પાછા પાડી દે તેવા આ સ્થાનિકોનું પસીતો અહીં રેડાયું છે. જેમલભાઇ વિશે તો ભુજના કવિ સંમેલનમાં જાણીતા કવિ સીદીકનુર પઠાણે એક કવિતા લખીને પઠન કર્યું હતું તેજી પ્રથમ લાઇન હજુએ યાદ છે. જેમલ જબ તુ બોલ રહી હૈ ધરતી ડાયટ ખોલ રહી હૈ ! આમ, આવા સ્થાનિકોની લોકો નોંધ લેતા હોય છે. હવે  અહીં હોટેલો બની છે, પરંતુ જ્યારે હોટેલો નહોતી ત્યારે જેમલભાઇ અને રવજીભાઇ આવનાર પ્રવાસીઓને પોતાના ઘેર ભોજન પણ કરાવીને કચ્છની મહેમાનગતિનું ઉદાહરણ આપતા હતા. ખડીરવાસીઓનો આવકારો પણ?અનેરો હોય છે. આમ હવે જો સત્વરે વિકાસની ગાડી પાટે ચડે તો ખડીરવાસીઓની મહેનત અને ધીરજ બંનેની કદર થાય. ધોળાવીરા હડપ્પન સાઇટમાં જેમની જમીન આવેલા છે તેવા લોકો માટે પણ સરકાર સત્વરે  વિચારે અને આ સાઇટમાં આવી જતી જમીનના કારણે કેટલાક લોકો ખાતેદારો પણ મટી જાય છે, પરંતુ આવા લોકોનું શું ? તે અંગે પણ સરકાર કોઇ રસ્તો કાઢે તે અત્યંત જરૂરી છે. આ સાઇટની અંદર લગભગ પંદરથી વીસ જેટલા લોકોની જમીનનો સમાવેશ થાય છે. આથી તેમનો પણ ધોળાવીરા માટે મહત્ત્વનો યોગદાન ગણાવી શકાય. આથી આવા લોકો માટે અન્યત્ર જમીન અપાય અથવા તો  આ સાઇટમાં અન્યત્ર જમીન અપાય તેવી લાગણી વ્યકત થઇ રહી છે. આમ જે જે લોકોનો  મહત્ત્વનો ફાળો રહેલે છે. તેઓને આજના દિવસે  યાદ કરવા ઘટે. સ્થાનિક મજૂરી કરતા રોજનદારો પણ?ગર્વથી જણાવે છે કે, અમોએ અહીં ખોદકામ કર્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer