રોમાંચક મેચમાં લંકાની 4 વિકેટે જીત

કોલંબો, તા. 28 : અહીંના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી ટી-20 મેચોની શ્રેણીની બીજી ટી-ર0 મેચમાં  છેલ્લી ઓવર સુધીની રસાકસી બાદ શ્રીલંકાએ ભારતને 4 વિકેટે પછડાટ આપી હતી. ટોસ જીતીને  શ્રીલંકાએ ફિલ્ડિંગ પસંદ કર્યા બાદ ભારતે 20 ઓવરમાં પાંચ વિકેટે  132 રન કર્યા હતા, જેના જવાબમાં  વિજયી લક્ષ્યનો પીછો કરતાં લંકાએ 19.4 ઓવરમાં 6 વિકેટે 133 રન કરી લીધા હત, જ્યારે બે દડા બાકી રહ્યા હતા. છેલ્લી ઓવરમાં  લંકાએ બાજી પલટી હતી. અંતિમ ઓવરના ચોથા બોલમાં લંકાના બેટધરોએ સિંગલ રન લઇ મેચ જીતી લીધી હતી. લંકાની આ જીત સાથે શ્રેણી સરભર થઇ ગઇ છે. આ પહેલાં લંકાના ઓપનરો ફર્નાન્ડો (11) અને ભાનુકાએ (36 રન) મધ્યમ શરૂઆત કરી હતી. જો કે, સમર વિક્રમા (8) અને કપ્તાન સાનકા (3) સસ્તામાં આઉટ થઇ  જતાં મેચ રોમાંચક બની હતી. છેલ્લે અણનમ રહેલા ધનંજય ડિ સિલ્વા (40) અને હરસંગા (15) એ મેચને જીત સુધી દોરી હતી, જ્યારે રોમાંચક તબક્કે ચામિકા (છ દડામાં 12)એ ડિ સિલ્વાને સાથ આપ્યો હતો. ભારત વતી કુલદીપ યાદવે બે વિકેટ લીધી હતી. આ પહેલાં, કોરોના સંકટને લીધે ગઇકાલ મંગળવારે સ્થગિત થયેલી શ્રીલંકા વિરુદ્ધની બીજી ટી-20 મેચ આજે રમાઇ હતી. ભારતીય  ટીમ કેટલાક નવા ખેલાડીઓ સાથે મેદાને પડી હતી અને 20 ઓવરમાં પ વિકેટે 132 રનનો સામાન્ય સ્કોર કર્યો હતો. જો કે, પ્રેમદાસા સ્ટેડિયમની ધીમી વિકેટ પર શ્રીલંકાની પણ 133 રનના વિજય લક્ષ્યાંક માટે કસોટી થઈ હતી. ભારત તરફથી કપ્તાન શિખર ધવને 42 દડામાં પ ચોગ્ગાથી ઉપયોગી 40 રન કર્યાં હતા. ડેબ્યૂ મેચમાં ઋતુરાજ ગાયકવાડે 18 દડામાં 21, દેવદત્ત પડીક્કલે 23 દડામાં 29 અને નીતીશ રાણાએ 9 રન કર્યાં હતા. એક સમયે ભારતના 12 ઓવરમાં 1 વિકેટે 81 રન હતા. આ પછી શ્રીલંકન સ્પિનરો સામે ભારતીય બેટધરો ભીંસમાં આવી ગયા હતા. સંજુ સેમસન (7) નિષ્ફળ રહ્યો હતો. ભુવનેશ્વરે અણનમ 13 રન કરીને ભારતને 132 રને પહોંચાડયું હતું. શ્રીલંકા તરફથી અકિલા ધનંજયે 2 વિકેટ લીધી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer