મુંદરા બંદરે 24 કરોડનું ડીઝલ-કેરોસીન ઝડપાયું

મુંદરા, તા. 28 : દેશમાં લાંબા સમયથી ઇંધણના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે ડીઝલ-કેરોસીનની ગેરકાયદે આયાત કરીને બજારમાં ઘૂસાડવાની ધીકતી પ્રવૃત્તિનું પ્રમાણ આપતા બનાવમાં આજે સ્થાનિક કસ્ટમ અને તેની શશખા એસ.આઇ.આઇ.બી.એ સપાટો બોલાવતાં અહીં અંદાજે ત્રીસેક કન્ટેનર અટકાવીને તેમાં ડીઝલ તથા કેરોસીનનો રૂા. 24 કરોડનો જથ્થો ઝડપી લીધો છે.બે અલગ અલગ આયાતકારોએ દુબઈથી વેરાવળના  વિહાન એન્ટરપ્રાઈઝે રપપ મે.ટન  જયારે પોરબંદરની કિસ્મત એન્ટરપ્રાઈઝનો 38પ મે.ટન મળી કુલ અંદાજે 640?મે.ટન ડીઝલ અને કેરોસીનના મોટા જથ્થાને ગેરકાયદેસર આયાત કરવા માટેનો કસ્ટમ અને એસ.આઈ.આઈ.બી.એ ઝડપી લીધો છે. વિહાન એન્ટરપ્રાઈઝે હાઈડ્રો કાર્બન ઓઈલના નામે અને કિસ્મત એન્ટરપ્રાઈઝ પોરબંદરે કેરોસીન ડીઝલ ફલેકસી ટેન્ક કન્ટેઈનર મારફતે મંગાવ્યો હતો. વેરાવળના આયાતકારના નામે બે બિલ ઓફ એન્ટ્રીમાં તેના કસ્ટમ બ્રોકર આર.આર. લોજિસ્ટિક દ્વારા ફાઈલ કરવામાં આવ્યા હતા. જયારે પોરબંદરના આયાતકારના કસ્ટમ બ્રોકર એમ.એ. ફારૂક એન્ડ કું. વેરાવળનું નામ દર્શાવવામાં આવ્યું છે.મુંદરા કસ્ટમના ડે. કમિશનર અનોપસિંહના સીધા માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન આસિ. કમિશનર રણજિત ગામીત અને પ્રિવેન્ટીવ ઓફિસર વિકાસ કુમારે પાર પાડયું હતું. જવાબદાર અધિકારીઓએ આયાતી માલના સેમ્પલ કંડલા કસ્ટમ સ્થિત સી.આર.સી.એલ. લેબોરેટરીમાં મોકલતાં આ જથ્થો ડીઝલ કેરોસીનનો છે તેવો રિપોર્ટ આવ્યો હતો. પ્રતિ લિટરે તેની કિંમત લગભગ ર8?રૂા. બતાવવામાં આવી છે. ડીઝલ ઉપર ર3.49 ટકા કસ્ટમ ડયૂટી છે. સૂત્રો માહિતી આપતાં જણાવે છે કે ગાંધીધામના કેટલાક બ્રોકરો પણ રાતોરાત માલેતુજાર થવાના શોર્ટકટના આ ધંધામાં ઝંપલાવ્યું છે. મોટાભાગની જુદીજુદી આઈ.સી. કોડ (આયાત નિકાસ કોર્ડ)ના નામે દુબઈથી આ માલ મંગાવવામાં આવે છે. જેમાં જે તે કસ્ટમ બ્રોકર આ કાર્ગો કલીયર એક મોટું પેકેજ લઈ કામ કરે છે. જેમાં કસ્ટમ ઓફિસર, કંડલા લેબથી લઈ તપાસ કરતી તમામ એજન્સીઓને સાચવી લેવાની રહે છે. જે અંગે તપાસ કરતા એક અધિકારીએ જણાવ્યું કે, કસ્ટમ કાર્ગો જોઈને કહી શકે નહીં કે ડીઝલ છે કે કેરોસીન છે કે નહીં. અમે લેબના રિપોર્ટના આધારે ચાલીએ. ટૂંકમાં લેબ જે રિપોર્ટ આપે તેના પર નિર્ભર રહે છે. જોકે કસ્ટમ ધારે તો ત્રણ વખત અલગ અલગ લેબ દ્વારા પરીક્ષણ કરાવી  શકે  છે.  આ  ગોરખધંધાનો સઘળો આધાર કંડલા લેબ પર નિર્ભર છે. કારણકે કંડલા અને મુંદરા કસ્ટમમાં આવતા આવા તમામ પેટ્રોલિયમ બેઝ કારગોનું પરીક્ષણ ફકત અને ફકત કંડલા લેબમાં થાય છે. આ લેબ સામે ભૂતકાળમાં ઘણા આક્ષેપો થયા છે જેમાં કસ્ટમનું એક મોટું માથું ગણાતા ઓફિસરની સૂચનાથી રિપોર્ટ આપવાનો કિસ્સો ચકચારમાં છે અને ભ્રષ્ટાચારના અનેક કિસ્સાઓ ચકચારમાં છે. `મીઠાઈ' આપો તો કામ થઈ જાય છે. કેટલાક ચોક્કસ અધિકારીની મીઠીનજર સિવાય કામ થઈ શકે નહીં તેવું પણ કહેવાય છે.કેરોસિન-ડીઝલની આયાત વધી હોવાનું મુખ્ય કારણ ભારતમાં ભાવ વધારો છે એવું નથી પણ આ ગોરખધંધો કેટલાય વર્ષોથી અવિરત ચાલુ છે. પેટ્રોલ-ડીઝલ અને કેરોસીનની આયાત ફકત કેન્દ્ર સરકાર હસ્તકની કંપનીએ જ મંગાવી શકે છે. આ બે નંબરી ધધામાં નાના આયાતકારનું કામ નથી. કેમકે સ્થાનિક કસ્ટમ એસ.આઈ.આઈ.બી., ડી.આર.આઈ. જેવી તપાસ એજન્સી કાર્યરત હોવા છતાં આટલા વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસરનો માલ કંડલા અને મુંદરા બંદર ઉપર જ કેમ મંગાવવામાં આવે છે એ પણ એક પ્રશ્ન છે તેવા સવાલો ઊઠયા છે. એકંદરે કસ્ટમ તંત્રને કરોડો રૂા.નો ચૂનો લાગે છે ઉપરાંત જે તે રાજય સરકારને વેટ અને વેરો ગુમાવવાથી કરોડો. રૂા.નું નુકસાન થાય છે. છતાં હંમણા બેઝ ઓઈલ અટકાવવાના નામે દરોડા પાડવામાં આવે છે પણ હજુ સુધી આની જાળ સુધી તપાસ એજન્સીઓ પહોંચી શકી નથી તેવું ચિત્ર પણ સપાટીએ આવ્યું છે. આજના ઘટનાક્રમમાં વેરાવળ અને પોરબંદરના આયાતકારોના નામ સામે આવ્યા છે. આ બન્ને કેન્દ્રો માછીમારીના ધંધા માટે પણ જાણીતા છે. વિશાળ ટ્રોલરો દ્વારા માછીમારી કરવા માટે જાણીતા કેન્દ્રો છે અને તેમને રોજનું હજારો લિટર ડીઝલ જોઈએ છે. દૂર સુધી અને દિવસો સુધી (એટલે સુધી કે છેક શ્રીલંકા સુધી) મોટી ટ્રોલરો દરિયામાં ફિશિંગ કરે છે.આ ટ્રોલરો પાસે ડીઝલ મોટા પાયે સ્ટોર કરવાની સુવિધા પણ હોય છે. દુબઈ અને ભારતના ડીઝલના ભાવ ફરકે આ પ્રવાહી સોનાની દાણચોરીને વેગ આપ્યો છે. સેંકડો ટ્રોલરો લોધ કરવા નીકળે ત્યારે હજારો લિટર ડીઝલની તેને જરૂરીયાત હોય છે. ડીઝલના સતત ભાવ વધારાના કારણે અન્ય દેશોના માછીમારો સાથે ધંધામાં ટકવું મુશ્કેલ બને છે તેનો શોર્ટકટ ડીઝલ-કેરોસીનની દાણચોરીના ધંધામાં પરિણમ્યો હોવાનું સૂત્રો ઉમેરે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer