બીજી ટી-20માં સાકરિયા, પડીક્કલ, ઋતુરાજ અને રાણાને પદાર્પણની તક

કોલંબો, તા. 28 : કોરોના સંકટ વચ્ચે શ્રીલંકા વિરૂધ્ધના બીજા ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં સૌરાષ્ટ્રના પ્રતિભાશાળી યુવા ઝડપી બોલર ચેતન સાકરિયા સહિત ચાર ખેલાડીને પદાર્પણની તક મળી છે. સાકરિયા ઉપરાંત દેવદત્ત પડીક્કલ, ઋતુરાજ ગાયકવાડ અને નીતિશ રાણાને પહેલીવાર ટી-20 કેપ મળી છે. દેવદત્ત અને ઋતુરાજના આ પ્રથમ ઇન્ટરનેશનલ મેચ છે. જ્યારે સાકરિયા અને રાણા વન ડેમાં પદાર્પણ કરી ચૂકયા છે. ટીમમાં સુકાની શિખર ધવન અને ઉપસુકાની ભૂવનેશ્વર જળવાય રહ્યા છે. કુણાલ પંડયા કોરોના પોઝિટિવ જાહેર થયા બાદ બીજો વન ડે મંગળવારે સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. જે હવે આજે રમાવો શરૂ થયો છે. શ્રેણીનો ત્રીજો અને આખરી મેચ આવતીકાલ ગુરૂવારે રમાશે. ભારત માટે રાહતની વાત એ છે કે કુણાલ પંડયાના નજીકના સંપર્કમાં આવનાર ખેલાડીઓ પૃથ્વી શો, હાર્દિક પંડયા, સૂર્યકુમાર યાદવ, યજુર્વેન્દ્ર ચહલ, દીપક ચહર, મનીષ પાંડે, ઇશાન કિશન અને કૃષ્ણપ્પા ગૌતમના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, પણ આ તમામ ખેલાડીઓનો આજના મેચની ઇલેવનમાં સમાવેશ થયો નથી.  બીજી તરફ બીસીસીઆઇએ પ્રવાસમાં સામેલ નેટ બોલર્સ ઇશાન પોરેલ, સંદિપ વોરિયર, અર્શદિપ સિંહ, સાઇ કિશોર અને સિમરનજીત સિંઘનો મુખ્ય ટીમમાં સમાવેશ કર્યાંનું જાહેર કર્યું છે. અગાઉ કોરોના સંકટને લીધે ગઇકાલ મંગળવારે સ્થગિત થયેલો શ્રીલંકા વિરૂધ્ધની બીજી ટી-20 મેચ આજે રમાઇ હતી. ભારતીય  ટીમ કેટલાક નવા ખેલાડીઓ સાથે મેદાને પડી હતી અને 20 ઓવરમાં પ વિકેટે 132 રનનો સામાન્ય સ્કોર જ કરી શકી હતી. બેટધરો જામ્યા નહોતા. ભારત તરફથી કપ્તાન શિખર ધવને 42 દડામાં પ ચોકકાથી ઉપયોગી 40 રન કર્યાં હતા. પદાર્પણ મેચમાં ઋતુરાજ ગાયકવાડે 18 દડામાં 21, દેવદત્ત પડીક્કલે 23 દડામાં 29 અને નીતિશ રાણાએ 9 રન કર્યાં હતા.  એક સમયે ભારતના 12 ઓવરમાં 1 વિકેટે 81 રન હતા. આ પછી શ્રીલંકન સ્પિનરો સામે ભારતીય બેટધરો ભીંસમાં આવી ગયા હતા. સંજૂ સેમસન (7) નિષ્ફળ રહયો હતો. ભુવનેશ્વરે અણનમ 13 રન કરીને ભારતને 132 રને પહોંચાડયું હતું. શ્રીલંકા તરફથી અકિલા ધનંજયે 2 વિકેટ લીધી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer