સુસવાટા મારતા પવનથી કચ્છમાં છવાયો ધૂંધળો માહોલ

ભુજ, તા. 28 : સાર્વત્રિક અનરાધાર વરસાદની ચાતક નજરે રાહ જોતા કચ્છમાં છવાયેલા ઘનઘોર માહોલ વચ્ચે ઝરમરને બાદ કરતાં વધુ વરસાદ છેલ્લા કેટલાક દિવસોથી નસીબ થઈ રહ્યો નથી. તેવામાં સતત ફૂંકાઈ રહેલા સુસવાટા મારતા પવનના લીધે એકતરફ વાતાવરણમાં ધૂંધળાશનું પ્રમાણ વધી ગયું છે, તો બીજી તરફ ગરમી-ઉકળાટના બદલે માહોલમાં સામાન્ય ઠંડકની અનુભૂતિ થઈ રહી છે. હવામાન વિભાગે હજુ પાંચેક દિવસ આ જ પ્રકારનું વાતાવરણ યથાવત્ રહેવાની આગાહી કરી છે. ભુજમાં મંગળવારની રાતથી પવનની ઝડપમાં વધારો થયો હતો. બુધવારે સરેરાશ 1ર કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનની ગતિ એક સમયે પ્રતિકલાક ર0 કિ.મી.થી ઉપર નોંધાઈ હતી. સુસવાટા મારતા પવનના લીધે ધૂળિયો-ધૂંધળાશભર્યો માહોલ છવાતાં વાહનચાલકો-રાહદારીઓને હાલાકી વેઠવી પડી હતી. આખો દિવસ વરસાદ તૂટી પડશે એવા છવાયેલા માહોલ વચ્ચે ઝરમરિયાં પણ માંડ નસીબ થયાં હતાં. અંજાર-ગાંધીધામ વિસ્તારમાં પણ લગભગ આવા જ વેગીલા વાયરાના માહોલે મેઘવર્ષાના બદલે ધૂળનો વરસાદ વરસાવી લોકોની હાલાકીમાં વધારો કર્યો હતો. દરિયો તોફાની બનવાની સંભાવનાને પગલે માછીમારોને બંધ મોસમ હોવા છતાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં સરેરાશ 1પથી રપ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનની ગતિ બપોરના સમયે વધીને 30 કિલોમીટરે પહોંચી હતી.  ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે જણાવ્યું કે, ચોમાસાની સિઝનમાં પવનની ગતિમાં ઉતાર-ચડાવ આવ્યા કરે છે. હજી બે દિવસ તો આ જ રીતે ઝડપી ગતિએ પવન ફૂંકાવાનું જારી રહેશે તે પછી તેમાં ક્રમશ: ઘટાડો થશે. પાંચેક દિવસ સુધી વાદળછાયો માહોલ રહેશે પણ ભારે વરસાદ વરસવાની શક્યતા નહિવત્ છે. જિલ્લામાં મહત્તમ પારો ર9થી 31 તો લઘુત્તમ પારો રપથી ર7?ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સરેરાશ 7પથી 8પ ટકા વચ્ચે નોંધાયું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer