ઝીંકડીમાં રેતીની અને પૈયામાં પથ્થરની ચોરી ઝપટે

ભુજ, તા. 28 : ધરતીના પેટાળમાં ધરબાયેલા ખનિજ તત્ત્વોની ચોરી સામે કાર્યવાહી અવિરત રાખતાં પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાદળ દ્વારા તાલુકામાં ઝીંકડીના સીમાડામાંથી રેતીની તથા પૈયાની સીમમાંથી પથ્થરની ગેરકાયદે ચોરીની પ્રવૃત્તિ પકડી પાડી હતી. આ બન્ને દરોડામાં સાત ઇસમની ધરપકડ કરાઇ છે. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુનાશોધક શાખાએ બાતમીના આધારે આ બન્ને દરોડાની કાર્યવાહી કરી હતી, જેમાં ઝીંકડી ગામની ઉત્તર બાજુની સીમમાં રેતીની ચોરી કરવાના મામલે નાના વરનોરા ગામના અબ્દુલ્લ ઇબ્રાહીમ મમણ, હુશેન ઇસ્માઇલ મમણ, આરીફ ઉમર મમણ, જુશબ કાસમ મમણ અને  ભુજના કેમ્પ વિસ્તારમાં રહેતા સલેમાન માંજોઠીને પકડયા હતા. જ્યારે પૈયા ગામની ઉત્તરાદી સીમમાં પથ્થરની ચોરી બાબતે નાના વરનોરા ગામના ઇદ્રીશ અબ્દુલ્લ ખોડ અને  વાહેદ સુલેમાન મમણને ઝડપી પડાયા હતા.એલ.સી.બી.એ જાહેર કરેલી વિગતો મુજબ ઝીંકડીના સીમાડામાં દરોડા સમયે નદીના પટમાં છેલાની પડતર જમીનમાંથી રેતી ઉપાડી ટ્રકમાં ભરવાનું કાર્ય ચાલી રહ્યું હતું. છ ટન રેતી અને 3206 નંબરની ટ્રક કબ્જે લેવાયા હતા, તો પાંચેય આરોપી સામે પદ્ધર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો, જ્યારે પૈયાના સીમાડામાં કાર્યવાહી સમયે પથ્થરો ચોરીને તેને ટ્રકમાં લઇ જવાનું કામ ચાલી રહ્યું હતું. આ સ્થળેથી છ ટન પથ્થર અને ટ્રક કબ્જે લેવાયા હતા. બન્ને આરોપી સામે પદ્ધર પોલીસમાં ગુનો નોંધાવાયો હતો. કાર્યકારી ઇન્સ્પેકટર એસ.જે. રાણા તથા ફોજદાર એચ.એમ. ગોહિલ સાથે સ્ટાફના સભ્યો કાર્યવાહીમાં જોડાયા હતા. પોલીસે વહીવટી અને પંચાયતી તંત્રના સ્ટાફને પણ કામગીરી સમયે સાથે રાખ્યા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer