રતનાલમાં આખલાએ હડફેટે લેતાં વૃદ્ધનું થયેલું મૃત્યુ

ગાંધીધામ, તા. 28 : અંજાર તાલુકાના રતનાલ ગામમાં બસ સ્ટેન્ડ પાસે ઊભેલા કાગજી કારાભાઇ મહેશ્વરી (ઉ.વ. 60)ને આખલાએ હડફેટમાં લેતાં તેમનું મોત થયું હતું તેમજ ગાંધીધામના સુભાષનગરમાં અગાઉ વીજશોક લાગતાં હર્ષરાજ થાપા (ઉ.વ. 15) નામના કિશોરે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. રતનાલ ગામના મહેશ્વરીવાસમાં રહેતા કાગજીભાઇ નામના વૃદ્ધ ગઇકાલે ગામના બસ સ્ટેન્ડ પાસે ઊભા હતા. સવારના 6.30ના અરસામાં આ વૃદ્ધ અહીં ઊભા હતા તેવામાં એક આખલો ત્યાં આવ્યો હતો. આ આખલાએ વૃદ્ધને શિંગડા મારતાં આ વૃદ્ધ નીચે પટકાયા હતા, જેમાં તેમના માથા અને સાથળમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા એ વૃદ્ધને સારવાર અર્થે લઇ જવાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ એક અપમૃત્યુનો બનાવ ગાંધીધામમાં બન્યો હતો. સુભાષનગરના વિનાયક નગરમાં રહેનારો હર્ષરાજ થાપા નામનો કિશોર ગત તા. 23/7ના પોતાના ઘરે હતો, તે દરમ્યાન તેને અકસ્માતે વીજશોક લાગતાં તેને ગાંધીધામ, અંજાર અને ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ત્યાંથી વધુ સારવારની જરૂરિયાત જણાતાં આ કિશોરને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો પરંતુ ત્યાં સારવાર દરમ્યાન આ કિશોરે દમ તોડી દીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer