ભુજ તા.ના 200થી વધારે પ્રા. શિક્ષકોનાં બે કરોડ જેટલાં એરિયર્સનાં બિલ અટક્યાં

ભુજ, તા. 28 : સરકાર દ્વારા બે મહિનાથી તાલુકાને ગ્રાન્ટ મળી ગઈ હોવા છતાં અંદાજિત 200થી વધુ પ્રાથમિક  શિક્ષકોના રૂા. બે કરોડથી વધારે રકમના એરિયર્સ બિલ બાકી હોવાના આક્ષેપ સાથે શિક્ષકોમાં ગણગણાટ વ્યાપ્યો છે. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સમક્ષ શિક્ષકો દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયા મુજબ સરકાર દ્વારા બે મહિનાથી તાલુકાને ગ્રાન્ટ ફાળવાઈ ગઈ હોવા છતાં ભુજ તાલુકાના અંદાજે 200થી વધુ શિક્ષક જેમાં અંધ તેમજ પેન્શનવાળા કેસ સહિતના છેલ્લા છથી સાત મહિનાના પેન્શન, રજાપગાર, એલ.ટી.સી., મેડિકલ, હાયરગ્રેડ સહિતના અંદાજિત બેથી અઢી કરોડના બિલ અટક્યા હોવાના આક્ષેપ સાથે શિક્ષકોમાં રોષ સાથે ગણગણાટ ફેલાયો છે. સંઘના પ્રમુખ નયનાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શિક્ષકોની વારંવાર રજૂઆતો આવી છે, જેને ઘણો સમય નીકળી ગયો છે પરંતુ હવે ટૂંકમાં પ્રશ્ન ઉકેલાઈ જશે.બીજી તરફ ઇન્ચાર્જ ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જીવણભાઈ વસરાનો આ અંગે સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમારી લેવલેથી સહી કરી 15 દિવસથી વધુ સમય પહેલાં મોકલી આપવામાં આવ્યા છે, આ બિલો મોટી સંખ્યામાં હોવાથી ચેક કરવામાં સમય લાગે તેથી થોડા જ દિવસમાં પ્રશ્ન ઉકેલાઈ જશે. જ્યારે હિસાબી શાખાના અતુલભાઈ ગોરને આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, અમારી પાસે ત્રણેક દિવસ પહેલાં બિલો આવ્યા છે, તેમ ગ્રાન્ટ પણ ગત માસે જ આવી છે. ઘણા બધા તેમજ મોટી રકમ હોઈ બિલો ચેક કરવા જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, અઢી કરોડની માંગ સામે બે કરોડની ગ્રાન્ટ આવતાં હજુ અનેકના બિલ અટકે તેવી પૂરેપૂરી સંભાવના છે.દરમ્યાન પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લાના સૌથી મોટા ભુજ તાલુકાના અંદાજે 1800થી 2000 શિક્ષક સામે ટીપીઈઓ કચેરી તથા તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં સ્ટાફની ઘટ હોવાથી શિક્ષકોની સેવાપોથી સહિતની કામગીરી માટે અનેકવાર શિક્ષકોનો સહયોગ લેવો પડતો હોય છે. હાલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઇન્ચાર્જમાં છે, તો છેલ્લા અગિયાર મહિનામાં પાંચ ટીપીઈઓ બદલી ગયા છે, જે પૈકી હાલ નિમાયેલા અધિકારીએ હજુ ચાર્જ સંભાળ્યો નથી, ઉપરાંત સિનિયર, જુનિયર અને હિસાબી કલાર્ક સહિતની જગ્યા ખાલી છે, જેથી શિક્ષકોના અનેક પ્રશ્નો ઉકેલવામાં સમય જતો હોવાનોયે આક્ષેપ શિક્ષક વર્તુળોમાંથી ઉઠી રહ્યો છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer