માતાના મઢ ખાણમાં રિવર્સમાં આવતી ટ્રક તળે અન્ય ટ્રકના ચાલકનું મોત

ભુજ, તા. 28 : લખપત તાલુકામાં માતાના મઢ સ્થિત ખનિજ વિકાસ નિગમ સંચાલિત લિગ્નાઇટ ખાણમાં રિવર્સમાં આવી રહેલી ટ્રકની હડફેટે આવી જવાથી માંડવી તાલુકાના રાજડા ગામના લાલજી ખેતશી મહેશ્વરી (ઉ.વ. 41)ને મોત આંબી ગયું હતું. દયાપર પોલીસ મથકમાં ભોગ બનનારા ખેતશીના ભાઇ વેરશી દ્વારા આ જીવલેણ અકસ્માત બાબતે ટ્રક નંબર જી.જે.12-એ.ડબલ્યુ.-9986ના ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો. મરનાર લાલજી પણ વ્યવસાયે ટ્રક ચલાવતો હતો. ગઇકાલે તે પોતાના શેઠ વંગ (નખત્રાણા) ગામના રાજા પ્રભુ આહીરની ટ્રક લઇને લિગ્નાઇટ ભરવા ગયો હતો. ખાણમાં ગતરાત્રે તેને આ અકસ્માત નડયો હતો. માથામાં થયેલી ગંભીર પ્રકારની ઇજાઓ હતભાગી માટે પ્રાણઘાતક સાબિત થઇ હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer