ચોમાસામાં બેક્ટેરિયાનું સંક્રમણ વધી જાય છે

ભુજ, તા. 28 : વર્ષાઋતુ સાથે જ ચોમાસાને લગતી બીમારી પણ શરૂ થઈ જાય છે. આ ઋતુ મચ્છર, માખી અને બેક્ટેરિયા માટે જીવાદોરી સમાન છે. પરિણામે ડેન્ગ્યુ, કોલેરા અને ચિકનગૂનિયા જેવા રોગનો લોકો શિકાર બની જાય છે. આ બીમારી ઉપરાંત વરસાદમાં ચામડી, વાળ અને ફંગલ ઇન્ફેકશન અને એલર્જી પણ માથું ઉચકે છે. અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં ચામડીના રોગ (સ્કિન ડીસીઝ) વિભાગમાં આવતા દર્દીઓ પૈકી આજકાલ 70 ટકા દર્દીઓ મોન્સૂન સ્કિન ઇન્ફેકશનને લગતા જોવા મળે છે. હોસ્પિટલના સ્કિન વિભાગના ચામડીના રોગના  આસિ. પ્રો. ડો. આદિત્ય નાગેંદ્રએ કહ્યું કે, આ ઋતુમાં સ્કિન, હેર અને ફંગલ ઇન્ફેકશન તથા એલર્જીની સિઝન શરૂ થઇ જાય છે. જેમાં ચામડીમાં અને વાળમાં ખંજવાળ તેમજ ત્વચાનો રંગ બદલાઈ જાય છે. કારણ કે, ભેજ અને ઘરની આસપાસ ભરાતા પાણીને કારણે બેક્ટેરિયા જન્મે છે અને ચેપ લગાડે છે. વળી, પસીનાને કારણે ખંજવાળથી ચામડીમાં લાલ દાણા અને દાદર પણ થાય છે.પગ પાણીમાં પલાળવાથી તથા બગલ (અંડરઆર્મ)માં પસીનો, વાળમાં પસીનો રહી જાય તો ઇન્ફેકશન થાય છે. પછી ડ્રાયનેસ અને ખંજવાળથી ચામડીના જુદા-જુદા રોગ થાય છે. ઉપાય સૂચવતાં તેમણે કહ્યું કે, બહારથી આવ્યા પછી સ્વચ્છ પાણીથી પગ ધોવા, વારંવાર થતો પસીનો ન થાય તે માટે ટેલ્ક્મ પાવડર લગાડવો. નહાવા પછી શરીરને વ્યવસ્થિત સુકાવા દેવું, ખુલ્લા કપડાં અને ચંપલ પહેરવા એમ રેસિ. ડો. ઐશ્વર્યા રામાણીએ કહ્યું હતું. - મોન્સૂન એલર્જીના કારણો  : એલર્જી પણ મોસમી ચેપ છે. આમ તો, એલર્જી બારેમાસ   થાય છે, પરંતુ વરસાદને કારણે ઠંડકથી કોલ્ડ ફ્લૂ, નાકમાં અને ગળામાં ખંજવાળ ઉપરાંત એક જ કપડાં વારંવાર પહેરો તો પણ થાય કેમ કે, તેમાં બેક્ટેરિયા   જમા થાય છે સાથે તેજ પરફ્યુમથી પણ એલર્જી થાય છે. આંખોમાં ઘણીવાર જલન થાય એ તેની નિશાની છે. બચાવ અંગે ચર્ચા કરતાં તબીબે કહ્યું કે, વરસાદમાં ભીંજાવું નહીં, ગરમ ચીજ-વસ્તુ જ ખાવી, પસીનાવાળા કપડાથી દૂર રહેવું, નમકવાળા પાણીના કોગળા કરવા અને સાફ-સફાઈથી એલર્જીથી બચી શકાય છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer