રાપર તાલુકાના કિડનીના દર્દીઓને ડાયાલિસીસ માટે 150 કિલોમીટર સુધીનો ફેરો

રાપર, તા. 28 : પછાત એવા રાપર તાલુકામાં આરોગ્ય સુવિધાઓની ઉણપનાં કારણે સામાન્ય બીમારીમાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો  પડે છે, તેવામાં ગંભીર બીમારી હોય ત્યારે આ વિસ્તારના લોકાની હાડમારી ઔર વધી જાય છે. તાલુકામાં કિડનીની બીમારીના દર્દીઓ માટે ડાયાલિસીસની સુવિધા ઉપલબ્ધ ન હોવાનાં કારણે પડતી હાલાકી અંગે વ્યાપારી સંસ્થા રાપર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પાઠવાયેલા પત્રમાં  પ્રમુખ શૈલેષ શાહ અને મહામંત્રી પ્રકાશ પટેલના જણાવ્યા પ્રમાણે જિલ્લાના સરહદી અને પછાત વિસ્તારમાં ડાયાલિસીસનું કેન્દ્ર શરૂ કરવાની તાતી જરૂરિયાત છે. આરોગ્યની અપૂરતી સુવિધા વચ્ચે આ વિસ્તારમાં કિડનીની બીમારીના દર્દીઓનું પ્રમાણ વધતું જાય છે. પ્રત્યેક દર્દીઓને ડાયાલિસીસ માટે મહિનામાં  8થી 12 વખત હોસ્પિટલ જવું પડે છે. બહોળો વિસ્તાર ધરાવતા મુખ્ય તાલુકા મથક અને ગામડાંઓ વચ્ચે પણ 40થી  પ0 કિલોમીટરનું અંતર છે. હાલ ડાયાલિસીસ માટે દર્દીઓએ ભચાઉ અથવા ગાંધીધામની ખાનગી હોસ્પિટલ સુધી જવું પડે છે. રાપરથી જ ગાંધીધામનું અંતર 95 કિલોમીટર છે. ઉપરાંત, ગામડાંથી રાપરનું અંતર 40થી 50 કિલોમીટર વધારાનું, આમ એક વખત ડાયાલિસીસ કરાવવા જવા માટે 150 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે. ડાયાલિસીસ કરાવ્યા બાદ દર્દીની હાલત પ્રવાસ કરી શકે તેવી હોતી નથી. આવા સંજોગોમાં 150 કિલોમીટરનો પ્રવાસ કરવામાં દર્દી અને તેના પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રાપર ખાતે ડાયાલિસીસની સુવિધા શરૂ કરાવવામાં ત્વરિત કાર્યવાહી કરે તે સમયની માંગ છે. આ સુવિધા સ્થાનિકે શરૂ થશે તો દર્દીઓની સારવાર સારી રીતે થઈ શકશે અને લોકોને પડતી હાલાકી નિવારી શકાશે. તાલુકાના રહેવાસીઓનાં હિતમાં આ બાબતે ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવા ભારપૂર્વકની રજૂઆત કરાઈ છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer